ભીખ માંગી તો જેલ અથવા દંડ: રૂ.એક હજારના ઈનામની લાલચમાં ભિક્ષુકોની માહિતી તંત્રને આપે છે લોકો
- નવા વર્ષથી શહેરને ભીખારી વિહિન બનાવવા પ્રયાસ
- છેલ્લા ચાર મહિનામાં 400 જેટલા ભીખારીઓને આશ્રય ગૃહમાં મોકલાયા
ઈન્દોરને ભીખારીઓથી મુક્ત કરાવવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે સ્થાનિક તંત્રએ રૂપિયા 1000ની ઈનામી યોજના બનાવી છે. જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાિંનક તંત્રએ 2 જાન્યુઆરીના રોજ સૂચના જાહેર કરી હતી. જેમાં, ભીખ માંગનારાઓ વિશે જાણકારી આપનારને રૂપિયા 1000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ માટે સ્પેશિયલ મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
છેલ્લા ચાર દિવસમાં લગભગ 200 નાગરિકોએ ફોન કરીને ભીખારીઓ વિશે જાણકારી આપી હતી. તેમાંથી 12 લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી ઠરી હતી. આ 12માંથી 6ને જિલ્લા કલેક્ટર ઓફિસમાંથી રૂ. 1000 આપવામાં આવ્યા હતા.
ભીખ માંગવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ હેઠળ એક વર્ષ સુધીની સજા અથવા રૂ. 5000 સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. છેલ્લા 4 મહિનામાં સિટીના 400 ભીખારીઓને આશ્રય ગૃહમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે, 64 બાળકોને બાળ સુધાર ગૃહ મોકલાયા છે.