પંજાબમાં કંપનીઓનું રૂ. 5437 કરોડનું નકલી બિલિંગ કૌભાંડ
- પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ કૌભાંડનો પર્દાફાશ કર્યો
- પંજાબની 11, અન્ય રાજ્યોની 86 અને કેન્દ્રમાં નોંધણી કરાવેલી 206 કંપનીઓએ નકલી આઈટીસી ક્લેમ કર્યા
- સોનાની બે કંપનીના રૂ. 860 કરોડ, 68 કંપનીઓએ રૂ. 533 કરોડના નકલી બિલ બનાવ્યા
ચંડીગઢ : પંજાબમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ના નામે રૂ. ૫,૪૩૭ કરોડના નકલી બિલોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ શુક્રવારે જણાવ્યું હતું કે, એક્સાઈઝ અને ટેક્સેસન વિભાગે તાપસ પછી આખા નેટવર્કનો ભાંડો ફોડયો છે. વિભાગે પાંચ લોકોની ઓળખ કરીને તેમના વિરુદ્ધ લુધિયાણામાં એફઆઈઆર નોંધાવી છે. આ કૌભાંડમાં કુલ ૧૧ લોકોને નામજદ કરાયા છે.
નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ શુક્રવારે કહ્યું કે, એક્સાઈઝ અને ટેક્સેસન વિભાગે પંજાબમાં આયર્નના કારોબાર સાથે સંકળાયેલી ૩૦૩ કંપની અને બે ગોલ્ડ કંપનીઓ પર કાર્યવાહી કરી છે. રાજ્યના કર વિભાગની એન્ફોર્સમેન્ટ પાંખે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
સોનાના કારોબાર કરતી બે કંપનીઓએ રૂ. ૮૬૦ કરોડના નકલી બિલ તૈયાર કર્યા હતા જ્યારે લોખંડનો વેપાર કરતી ૩૦૩ કંપનીઓએ રૂ. ૪,૦૪૪ કરોડના નકલી બિલ બનાવીને સરકાર પાસેથી ખોટી રીતે આઈટીસીનો લાભ લીધો હતો. આ સિવાય ૬૮ કંપનીઓના માલિકોએ તેમના કર્મચારીઓના નામે કંપનીઓની નોંધણી કરાવીને રૂ. ૫૩૩ કરોડના નકલી બિલ બનાવડાવ્યા હતા.
નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ કહ્યું કે, અમૃતસરમાં સોનાનો વેપાર કરતી કંપનીએ સોનાની ખરીદી અને વેચાણ માટે રૂ. ૩૩૬ કરોડના નકલી બિલ બનાવ્યા હોવાનું એન્ફોર્સમેન્ટ પાંખે શોધી કાઢ્યું હતું. એ જ રીતે અન્ય એક કંપની પણ આવી છેતરપિંડી કરતાં પકડાઈ હતી. હકીકતમાં આ કંપનીઓએ સોનાની કોઈ ખરીદી કરી નહોતી.
એ જ રીતે લોખંડના કારોબારના નામે નકલી બિલ બનાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળળનારી ૩૦૩ કંપનીઓએ કુલ રૂ. ૪,૦૪૪ કરોડના લોખંડની નકલી ખરીદી અને વેચાણ બતાવ્યા હતા. આ કૌભાંડમાં પંજાબની ૧૧, અન્ય રાજ્યોની ૮૬ અને ૨૦૬ કંપનીઓ કેન્દ્ર સરકારમાં નોંધણી કરાવેલી હતી. આ કેસોમાં કુલ રૂ. ૭૦૭ કરોડના નકલી આઈટીસીનો દાવો કરાયો હતો. રાજ્યના કર વિભાગે બધી જ ૧૧ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની નોંધણી રદ કરી છે. ૨૦૬ કંપનીઓની યાદી કેન્દ્ર સરકારના સંબંધિત અધિકારીઓને આપી દેવાઈ છે. નાણામંત્રી ચીમાએ કહ્યું કે, ૬૮ કંપનીઓ એવી હતી જેના માલિકોએ તેમના કર્મચારીઓના દસ્તાવેજ પર કંપનીઓની નોંધણી કરાવીને નકલી બિલ બનાવી સરકાર પાસેથી રૂ. ૧૦૦ કરોડનો આઈટીસી ક્લેમ કર્યો હતો.