માલ્યાના રૂ. 6,000 કરોડના દેવાં સામે રૂ. 14,131 કરોડની વસૂલાત કરાઈ
- સંસદમાં નાણામંત્રી નિર્મલા સિતારામનના દાવા પછી નવો વિવાદ
- ઈડી અને બેન્કોએ દેવાં કરતાં બમણી વસૂલાત કરી છતાં હજુ પણ આર્થિક ભાગેડુ, રાહત માગીશ : માલ્યા
નવી દિલ્હી : દેશના એક સમયના અગ્રણી ઉદ્યોગપતિ અને હાલ ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાએ ગુરુવારે જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બેન્કોએ તેમના દેવાં કરતાં બમણી વસૂલી કરી છે. આમ છતાં તેમને હજુ પણ ભાગેડુ આર્થિક ગૂનેગાર ગણાવાઈ રહ્યા છે. તેઓ આ અંગે રાહત માગશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને સંસદમાં કહ્યું હતું કે, સરકારે માલ્યાની ટાંચમાં લીધેલી સંપત્તિઓમાંથી રૂ. ૧૪,૧૩૦ કરોડથી વધુની વસુલાત કરીને બેન્કોને પાછા આપ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને લોકસભામાં ગ્રાન્ટ્સ માટે પૂરક માગની પહેલી બેચની ચર્ચામાં મંગળવારે જણાવ્યું હતું કે, ઈડીએ છેતરપિંડી સંબંધિત અલગ અલગ કેસોમાં રૂ. ૨૨,૦૦૦ કરોડની રિકવરી કરી છે, જેમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાંથી રૂ. ૧૪,૧૩૦ કરોડની વસૂલાત કરીને જાહેર ક્ષેત્રની બેન્કોને રકમ પાછી આપવામાં આવી છે.
સિતારામનના આ નિવેદનને ટાંકીને વિજય માલ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણી બદ્ધ ટ્વિટ કરીને કહ્યું કે, ડેટ રીકવરી ટ્રિબ્યુનલે કિંગફિશર એરલાઈન્સ (કેએફએ) પાસેથી વ્યાજના રૂ. ૧૨૦૦ કરોડ સાથે કુલ રૂ. ૬,૨૦૩ કરોડના દેવાં સામે રૂ. ૧૪,૧૩૧.૬ કરોડની વસૂલાત કરી છે. નાણામંત્રીએ પોતે સંસદમાં કહ્યું છે કે ઈડી મારફત બેન્કોએ રૂ. ૬૨૦૩ કરોડના દેવાં સામે મારી પાસેથી રૂ. ૧૪,૧૩૧.૬ કરોડની વસૂલાત કરી છે અને તેમ છતાં મને હજુ ભાગેડું આર્થિક ગુનેગાર ગણાવાઈ રહ્યો છે.
માલ્યાએ સવાલ કર્યો છે કે ઈડી અને બેન્કો દેવાં કરતાં બે ગણાથી વધુ નાણાં કેવી રીતે વસૂલી શકે? હું રાહતનો હકદાર છું. વિજય માલ્યાએ કેટલીક બેન્કો પાસેથી તેમની અગાઉની કિંગફિશર એરલાઈન્સ માટે લોન લીધી હતી, પરંતુ રૂ. ૯,૦૦૦ કરોડથી વધુની નાદારી નોંધાવી માલ્યા માર્ચ ૨૦૧૬માં લંડન ભાગી છૂટયો હતો.
હકિકતમાં આઈપીએલના સ્થાપક અને ઉદ્યોગપતિ લલિત મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિજય માલ્યાને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું હતું, મારા મિત્ર વિજય માલ્યાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. જીવનમાં ઉતાર-ચઢાવ તો આવતા રહે છે. આપણે બંનેએ તે જોયું છે. આ સમય પણ પસાર થઈ જશે. આગામી વર્ષ તમારું વર્ષ રહે અને તમે પ્રેમ અને હાસ્યથી ઘેરાયેલાં રહો. ખૂબ-ખૂબ પ્રેમ.' વિજય માલ્યાએ જવાબમાં આભાર માનતા કહ્યું કે, આપણી બંને સાથે એ દેશમાં અન્યાય થયો છે, જ્યાં આપણે યોગદાન આપવાનો પ્રયાસ કર્યો હતો.