દિલ્હીમાં ચીનના નાગરિકની ધરપકડ પછી રૂ. 100 કરોડના કૌભાંડનો પર્દાફાશ
- 43 લાખની સાયબર છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાઇ
- આરોપીએ છેતરપિંડી કરવા સ્ટોક માર્કેટ ટ્રેઇનિંગ શેસનનું આયોજન કર્યુ હતું : અગાઉ આંધ્રમાં સાત મહિના જેલમાં હતો
નવી દિલ્હી : દિલ્હી પોલીસે શાહદરામાં ૪૩ લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીંમાં સંડોવણી બદલ ચીનના નાગૉરિકની ધરપકડ કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
ચીનના નાગરિકની ધરપકડથી સોશિયલ મીડિયા ર્દ્વારા આચરવામાં આવેલા ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે તેમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (શાહદરા) પ્રશાંત ગૌતમે એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આરોપની ઓળખ ફેંગ ચેનજીન નામના ચીનના નાગરિક તરીકે કરવામાં આવી છે જે સફદરગંજમાં વસવાટ કરતો હતો.
તપાસની વધુ વિગતો આપતા ગૌતમે જણાવ્યું હતું કે જુલાઇમાં સાયબરક્રાઇમ પોર્ટલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર આરોપીએ છેતરપિંડી આચરવા માટે સ્ટોક માર્કેટ ટ્રેઇનિંગ શેસનનું આયોજન કર્યુ હતું.
ત્યારબાદ આરોપીએ વિવિધ ટ્રાન્ઝેકશન દ્વારા રોકાણના નામે ૪૩.૫ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. રોકાણની આ રકમ આરોપી સાથે સંકળાયેલા ખાતાઓમાં ટ્રાન્સપર કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જે ખાતાઓમાં ઉચાપત કરેલા ફંડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે ખાતાઓની વિગતો મળી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ અગાઉ આંધ્ર પ્રદેશ પોલીસે ફેંગની ધરપકડ કરી હતી. આ વ્યકિત જે કંપનીમાં વેન્ડર તરીકે કામ કરતો હતો તે કંપનીએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યોે હતો. તે સાત મહિના સુધી આંધ્ર પ્રદેશની તિરુપતિ જેલમાં રહ્યો હતો. આંધ્ર પ્રદેશ પોલીસે આરોપીનો પાસપોર્ટ અને વિઝા જપ્ત કરી લીધા હતાં. દિલ્હી પોલીસે જ્યારે તેની ધરપકડ કરી તો તે સમયે તેની પાસે કાયદેસરના વિઝા ન હતાં.