લોકસભામાં ઝીરો સાંસદ, છતાં NDAના આ નેતાએ કેબિનેટમાં માંગ્યું મંત્રી પદ
Ramdas Athavale Demanded a Ministerial : લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Elections Result 2024)માં ભાજપ બહુમતીના આંકડાને પાર કરી શકી નથી, તેણે ગઠબંધનના ભરોસે સરકાર બનાવવાની નોબત આવી છે. તો બીજીતરફ ભાજપ બાદ સૌથી વધુ બેઠકો મેળવનાર જેડીયુ અને ટીડીપી જેવા પક્ષોએ મોદી સરકારનું નાક દબાવી ઘણા મંત્રાલયોની માંગ કરી છે. ત્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે, રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા અઠાવલે (RPIA)ના સાંસદ રામદાસ અઠાવલેએ ચૂંટણીમાં એકપણ બેઠક જીતી ન હોવા છતાં નવી સરકારની કેબિનેટમાં મંત્રી પદની માંગ કરી છે. અઠાવલેના પક્ષની મહત્વની વાત એ છે કે, પાર્ટીના લોકસભામાં એક પણ સાંસદ નથી અને આરપીઆઈના એકમાત્ર રાજ્યસભા સાંસદ તેઓ પોતે છે.
મને સામાજિક ન્યાય વિભાગ મળે, તો વધુ સારું : અઠાવલે
અઠાવલેએ કહ્યું કે, ‘રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા બાબા સાહેબ આંબેડકરની પાર્ટી છે. મોદીજીએ આંબેડકરજી અને બંધારણને બચાવવા માટે અનેક કામો કર્યા છે. હાલ અમારી માંગ છે કે, હું સતત આઠ વર્ષથી રાજ્યમંત્રી છું, દેશભરમાં મારી પાર્ટી કામ કરે છે. મારી પાર્ટી એનડીએ સાથે ઈમાનદારીથી રહી છે. અમે મહારાષ્ટ્રમાં એકપણ બેઠક પર લડ્યા વગર એનડીએને સમર્થન આપ્યું, તેથી મને નવી કેબિનેટમાં મંત્રીનું પદ મળવું જોઈએ અને તેમાં સામાજિક ન્યાય વિભાગ મળે, તો વધુ સારું. આ ઉપરાંત શ્રમ મંત્રાલય અથવા લઘુમતી મંત્રાલય મળે, તો પણ ઠીક છે.’
‘ફડણવીસે પદ આપવાનું વચન આપ્યું હતું’
અઠાવલેએ વધુમાં કહ્યું કે, ‘જો અમને કેબિનેટ મંત્રાલય અપાશે, તો દલિત સમાજમાં સારુ વાતાવરણ ઉભી થઈ શકે છે. મને દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પણ વચન આપ્યું હતું કે, અમે તમને એકપણ બેઠક આપી શક્યા નથી, પરંતુ તમે કેબિનેટ મંત્રી પદ માટે ચોક્કસ પ્રયાસ કરજો, તેમણે મને આવું આશ્વાસન આપ્યું હતું.’
‘હું નડ્ડા-શાહ સાથે મુલાકાત કરીશ’
તેમણે વધુમાં કહ્યું કે, ‘હાલ મારી અને ભાજપ નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. હું હવે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda)ને મળીશ. જો મહારાષ્ટ્ર (Maharashtra)ના નેતાઓ ભલાણ કરશે, તો મને મંત્રી પદ મળી શકે છે. શિવસેના અને એનસીપીના ભાગલા પડ્યા છે, કદાચ તેના કારણે જ શિવસેના યુબીટી અને શરદ પવારની પાર્ટીને સહાનુભુતિ મળી ગઈ હતી.
NDAને લોકસભા ચૂંટણીમાં મળ્યો બહુમત
લોકસભા ચૂંટણી 2024માં ભાજપ (BJP)ને સૌથી વધુ 240 બેઠક મળી છે, જ્યારે NDAને 292 બેઠક મળી છે. બીજી તરફ કોંગ્રેસને 99 બેઠક અને ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance)ને 234 બેઠક મળી છે.