'મારાથી મોટી ભૂલ થઈ ગઈ, તુ કહે તો..' મુંબઈ-જયપુર ટ્રેન ગોળીકાંડના આરોપીએ પત્ની સામે કબૂલ્યો ગુનો
3 મુસાફરો અને એક સબ ઈન્સપેક્ટરની ગોળી મારી હત્યા કરી હતી
જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં બની હતી ઘટના, આરોપીની ઓળખ કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરી તરીકે થઇ હતી
Jaipur Mumbai Train Firing Case : મુંબઈ-જયપુર ટ્રેનમાં ગોળીબાર કરીને મુસાફરોની હત્યા કરનારા રેલવે સુરક્ષા દળના આરોપી કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરી (RPF Constable Firing Case) મામલે નવો ખુલાસો થયો છે. માહિતી અનુસાર ચાર લોકોની હત્યા કરવાની થોડીક જ ક્ષણો બાદ તેણે પોતાની પત્નીને ફોન કરીને જઘન્ય અપરાધ કર્યાની કબૂલાત કરી લીધી હતી.
પત્નીને કહી હતી આ વાત
આ મામલે દાખલ કરાયેલી ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે ચેતન સિંહ ચૌધરીએ (Constable Chetan singh Chaudhary) તેની પત્નીને કહ્યું હતું કે શું હું મારી જાતને પણ ગોળી મારી લઉં. પોલીસે આરોપી ચેતન સિંહની પત્નીના નિવેદનના હવાલાથી આ દાવો કર્યો છે. જુલાઈ મહિનામાં આ ઘટના બની હતી. કોન્સ્ટેબલની પત્નીએ દાવો કર્યો હતો કે મારા પતિએ સ્વીકાર્યું હતું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ. તેમના મગજમાં લોહીની ગાંઠ હતી અને તે તેના માટે દવાઓ લેતો હતો.
પત્નીએ આપી હતી આ સલાહ
ચેતન સિંહની પત્નીએ જણાવ્યું કે આરોપી કોન્સ્ટેબલે કહ્યું હતું કે મેં ત્રણ લોકો અને એક સબ ઈન્સપેક્ટરને મારી નાખ્યા છે, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે... તુ કહે તો પોતાની જાતને પણ ગોળી મારી દઉં? પોતાના નિવેદનમાં પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે 31 જુલાઈએ સવારે લગભગ 6:30 વાગ્યે તેના પતિનો કોલ આવ્યો હતો, જ્યારે આરોપીએ તેને આ કૃત્ય વિશે જાણ કરી હતી. જેના બાદ તેણે આરોપી પતિને પોલીસ સામે આત્મસમર્પણ કરી દેવાની સલાહ આપી હતી.