સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને મોટો ઝટકો! ખનીજો પર ટેક્સ મામલે રાજ્ય સરકારની તરફેણમાં ચુકાદો
Supreme Court: ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 હેઠળ ખનીજ પર ચૂકવવાપાત્ર રોયલ્ટી ટેક્સ છે કે કેમ તે અંગેના અત્યંત વિવાદાસ્પદ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ખનિજ જમીન પર રોયલ્ટી લાદવાના રાજ્ય સરકારોના અધિકારને માન્ય રાખતા કહ્યું કે, રાજ્યો પાસે રોયલ્ટી રાખવાની ક્ષમતા અને સત્તા છે. સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય ઓડિશા, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યો માટે મોટી જીત છે.
રોયલ્ટી કોઈ ટેક્સ નથી- સુપ્રીમ કોર્ટ
9 જજોની બેન્ચે 8:1ની બહુમતીથી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં બેન્ચનું નેતૃત્વ કરી રહેલા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે રોયલ્ટી કોઈ ટેક્સ નથી. જ્યારે જસ્ટિસ બીવી નાગરત્નાએ નિર્ણય પર અસહમતિ વ્યક્ત કરી હતી. આ મહત્વપૂર્ણ નિર્ણય આપનારી બેન્ચમાં તેમના ઉપરાંત જસ્ટિસ ઋષિકેશ રોય, એએસ ઓકા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, બીવી નાગરથના, ઉજ્જલ ભૂઈયા, સતીશ ચંદ્ર શર્મા, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ સામેલ હતા.
જસ્ટિસ બીવી નાગરત્ના બેન્ચના એકમાત્ર જજ હતા જેમણે બહુમતીથી અલગ અભિપ્રાય આપ્યો હતો. પોતાના અને અન્ય 7 ન્યાયાધીશો વતી ચુકાદો આપતાં ચીફ જસ્ટિસે કહ્યું કે, 'બંધારણ મુજબ કેન્દ્ર કે સંસદને ખનિજો પર ટેક્સ લાદવાનો અધિકાર નથી. કોર્ટે આ જોગવાઈ બંધારણની યાદી 2ની એન્ટ્રી 50 હેઠળ આપી છે. આમાં ખનીજ પરના ટેક્સનું વર્ણન કરવામાં આવ્યું છે.'
આખો મામલો શું છે?
અગાઉ એવી મૂંઝવણ હતી કે રાજ્યોમાં જે ખનિજ જમીનો છે તેમાંથી જે ખનિજો કાઢવામાં આવે છે તેના પર રાજ્યો ટેક્સ લાદી શકે છે કે નહીં. તો આ બાબત પર 1989ના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે રોયલ્ટી એ ટેક્સ છે.
પરંતુ સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયમાં, 1989ના તે નિર્ણયને ઉલટાવી નાખવામાં આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે રોયલ્ટી ટેક્સ નથી અને રાજ્યોને તેમની જમીન પરના ખનિજો પર ટેક્સ લાદવાની સત્તા છે, રાજ્યો દ્વારા તેમની જમીનમાંથી જે પણ ખનિજ કાઢવામાં આવે છે તેના પર સેસ લગાવી શકે છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેન્દ્ર સરકાર અને માઈનિંગ કંપનીઓ માટે ઝટકા સમાન છે. કારણ કે માઇનર્સે હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે અને કેન્દ્ર સરકાર ખનિજો પર ટેક્સ લગાવવા પરની પકડ ગુમાવશે.