EDની અરજી પર સુનાવણી પહેલા અરવિંદ કેજરીવાલને મળી રાહત, કોર્ટમાં નહીં થવું પડે હાજર
Delhi CM Arvind Kejriwal : દિલ્હી લિકર પોલિસી કેસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલને અન્ય એક કેસમાં મોટી રાહત મળી છે. હવે તેમને કોર્ટમાં રજૂ નહીં થવું પડે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યૂટ્યૂબર ધ્રવ રાઠીનો યૂટ્યૂબ વીડિયો ફરી ટ્વિટ કર્યો હતો, જેને લઈને તેમના વિરૂદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી કેજરીવાલને વ્યક્તિગત હાજર થવા મામલે છૂટ મળી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવાની છૂટ માંગી હતી, જેના પર કોર્ટે રજૂ થવાની છૂટની રાહ આપી દીધી. હવે રાઉઝ એવન્યૂ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે.
જોકે, અરવિંદ કેજરીવાલે બજેટનો હવાલો આપતા કોર્ટમાં હાજર થવાથી છૂટ માંગી હતી. અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું હતું કે, દિલ્હીનું બજેટ સેશન શરૂ થવાનું છે, જેના કારણે મુખ્યમંત્રી કેજરીવાલ વ્યસ્ત છે. એટલા માટે હાજર થવાની છૂટ આપવામાં આવે.
દિલ્હી હાઈકોર્ટે 5 ફેબ્રુઆરીએ નિચલી કોર્ટ દ્વારા જાહેર સમન્સને રદ્દ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, માનહાનિકારક સામગ્રીને રીટ્વીટ કરવું માનહાનિ સમાન છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલના ઘણા ફોલોઅર્સ છે અને તેઓ વીડિયોને ફરી ટ્વિટ કરવાના પરિણામો સમજે છે.
શું હતું વીડિયોમાં?
વિકાસ પાંડે દ્વારા આ કેસ દાખલ કરાયો હતો, જે ખુદને ભાજપના સમર્થક હોવાનો દાવો કરે છે અને સોશિયલ મીડિયા પેજ આઈ સપોર્ટ નરેન્દ્ર મોદીના સંસ્થાપક છે. પોતાના વીડિયોમાં ધ્રુવ રાઠીએ કહ્યું હતું કે વિકાસ પાંડે ભાજપ આઈટી સેલના બીજા નંબરના નેતા છે અને પાંડેએ એક વચેટિયાના માધ્યમથી મહાવીર પ્રસાદ નામના વ્યક્તિને પોતાના આરોપો પરત લેવા માટે રૂપિયા 50 લાખની ઓફર કરી હતી કે સત્તાધારી પાર્ટીની આઈટી સેલ ખોટા સમાચાર ફેલાવે છે. પ્રસાદે રાઠીની સાથે એક એન્ટરવ્યૂમાં આ આરોપો લગાવ્યા હતા. આ ઈન્ટરવ્યૂ રાઠીએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર 10 માર્ચ, 2018ના રોજ બીજેપી આઈટી સેલ ઈનસાઈડર ઈન્ટરવ્યૂ ટાઈટલ હેઠળ અપલોડ કર્યું હતું.