PM મોદીએ યુવાઓને આપી મોટી ભેટ, રોજગાર મેળામાં 71000 યુવાઓને આપ્યા નિમણૂક પત્રો
PM Modi Gives Appointment Letters to 71,000 Youth : સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરતી અભિયાન 'રોજગાર મેળા' હેઠળ લગભગ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. આ પ્રસંગે નવનિયુક્ત કર્મચારીઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 'ભારતના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો ભરપૂર ઉપયોગ કરવો એ અમારી સરકારની પ્રાથમિકતા છે. અમે રોજગાર મેળાઓ દ્વારા આ દિશામાં સતત કામ કરી રહ્યા છીએ.
છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને કાયમી નોકરી આપી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. આજે પણ 71 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં સરકારે લગભગ 10 લાખ યુવાનોને કાયમી સરકારી નોકરી આપી છે. ભારતના યુવાનો આજે નવા આત્મવિશ્વાસથી ભરેલા છે. તે દરેક ક્ષેત્રમાં પોતાનો નામ સ્થાપિત કરી રહ્યો છે.
દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન
આ પહેલા ગત ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં યુવાનોને 51,000 થી વધુ નિમણૂંક પત્રો આપ્યા હતા. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જેવા વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતી કરાયેલા લોકોએ તેમાં ભાગ લીધો હતો.
22 ઓક્ટોબર 2022થી થઈ હતી શરુઆત
રોજગાર મેળાની શરુઆત 22 ઓક્ટોબર 2022ના રોજ થઈ હતી. હાલમાં જ સંસદના શિયાળુ સત્રમાં સરકારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રોજગાર મેળા દ્વારા લાખો યુવાનોને નોકરી આપવામાં આવી છે.