રોહિત શર્માને ટીમમાંથી કાઢી મૂકવો જોઈએ, તૃણમૂલ સાંસદે શમા મોહમ્મદને આપ્યો ટેકો
Saugata Roy on Rohit Sharma: ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પર કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદના વિવાદાસ્પદ નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે. રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા બાદ કોંગ્રેસે શમાની તે ટ્વિટ હટાવી દીધી હતી. પરંતુ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોય શમા મોહમ્મદના સપોર્ટમાં આવ્યા છે અને આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.
સાંસદ સૌગત રોયે આપી આકરી પ્રતિક્રિયા
આ મામલે TMC સાંસદ સૌગત રોયે કહ્યું, 'રોહિત શર્મા વિશે જે કહેવામાં આવ્યું તેની સાથે હું સંપૂર્ણ રીતે સંમત છું. શમા મોહમ્મદે આ એક રાજકારણી તરીકે નહીં પરંતુ એક દર્શક તરીકે કહ્યું છે. રોહિત શર્માને કેટલા દિવસ માટે છૂટ આપવામાં આવશે. તેણે બે વર્ષમાં એકવાર સદી ફટકારી છે અને તે 2, 5, 10 અને 20 રનમાં આઉટ થાય છે.'
વજનની બિલકુલ પરવા નથી
સૌગત રોયે કહ્યું, “રોહિત શર્માને ન તો ટીમમાં સ્થાન મળવું જોઈએ અને ન તો તેને કેપ્ટન બનાવવો જોઈએ. કોંગ્રેસના નેતાએ જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું છે. તેને પોતાના વજનની બિલકુલ પરવા નથી. આ લોકો માત્ર જાહેરાતોમાં જ મોડલ બને છે. સ્પોર્ટ્સમાં મોડલ નથી બનતા.'
જસપ્રીત બુમરાહ સારો કેપ્ટન બની શકે છે
સૌગત રોયને પૂછવામાં આવ્યું કે, 'તમારા મત પ્રમાણે કયો ખેલાડી સારૂ રમે છે?' તો રોયે કહ્યું, 'હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા નવા ખેલાડીઓ આવ્યા છે જે સારું રમી રહ્યા છે. જો આપણે ફિટનેસ પર નજર કરીએ તો જસપ્રીત બુમરાહ સારો કેપ્ટન બની શકે છે. તે અત્યારે ઈજાગ્રસ્ત છે અને રમી રહ્યો નથી. નવા છોકરાઓમાં શ્રેયસ જેવા છોકરાઓ પણ કેપ્ટન બની શકે છે, પરંતુ રોહિતને ટીમમાં સ્થાન મળવું જોઈએ નહીં.'
આ પણ વાંચો: IND vs AUS: ભારત વિરુદ્ધ સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં 21 વર્ષના ખેલાડીની એન્ટ્રી
જાણો શું કહ્યું હતું શમા મોહમ્મદે
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે રોહિત શર્મા વિશે ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, 'રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે અને હા, તે ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.'
કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે વિવાદ વધવા પર પોતાની પોસ્ટને લઈને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે 'મારી ટ્વીટ એક ખેલાડીની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ હતી. જેમાં કોઈના મેદસ્વીપણાને મજાક બનાવવામાં આવી નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ખેલાડીએ ફિટ હોવું જોઈએ અને મને લાગે છે કે રોહિત શર્મા થોડો જાડો છે. તો મે આ વિશે ટ્વિટ કરી દીધી. મારી ઉપર કારણ વિના નિશાન સાધવામાં આવી રહ્યું છે. મે તેમની પૂર્વ કેપ્ટન સાથે સરખામણી કરી અને આ મારો અધિકાર છે. આ કહેવામાં શું ખોટું છે? આ લોકશાહી છે.’