અમેઠીથી ટિકિટ ન મળતાં રોબર્ટ વાડરાની પહેલી પ્રતિક્રિયા, કહ્યું - 'રાજકારણની કોઈ પણ તાકાત..'
Lok Sabha Elections 2024 | કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે પાર્ટી તેમને અમેઠીથી ટિકિટ આપી શકે છે. વાડરા પોતે તેના સંકેત આપી રહ્યા હતા. જો કે કોંગ્રેસે ગાંધી પરિવારના ગઢમાંથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.હવે અમેઠીથી ટિકિટ ન મળવા પર વાડ્રાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજકારણની કોઈ શક્તિ પરિવાર વચ્ચે નહીં આવી શકે.
ફેસબુક પોસ્ટમાં કહી આ વાત
એક ફેસબુક પોસ્ટમાં રોબર્ટ વાડરાએ કહ્યું કે, "રાજકારણની કોઈપણ શક્તિ કે પદ અમારા પરિવાર વચ્ચે નહીં આવી શકે. અમે બધા આપણા મહાન રાષ્ટ્રની જનતા અને લોકોની ભલાઈ માટે હંમેશા કામ કરીશું અને કરતાં રહીશું. તમારા સમર્થન અને શુભેચ્છાઓ બદલ દરેકનો આભાર, હું હંમેશા મારી જાહેર સેવા દ્વારા લોકોને શક્ય તેટલી મદદ કરીશ." ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. શર્મા ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે.
રોબર્ટ વાડરાએ અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
અહીં મહત્ત્વનું એ છે કે રોબર્ટ વાડરાએ ઘણી વખત રાજકારણમાં પ્રવેશવાની અને અમેઠીથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગત મહિને મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, "દેશભરમાંથી અવાજ આવી રહ્યો છે. લોકો ઈચ્છે છે કે હું સક્રિય રાજનીતિમાં આવું, કારણ કે હું હંમેશાથી દેશના લોકોની વચ્ચે રહ્યો છું. લોકો હંમેશા ઈચ્છે છે કે હું રાજકારણમાં આવું. તેમના ક્ષેત્રમાં રહું. મેં 1999 થી ત્યાં (અમેઠી) પ્રચાર કર્યો છે. લોકો ગાંધી પરિવાર સાથે છે કારણ કે તેઓ રાહુલ અને પ્રિયંકાની મહેનત જોઈ રહ્યા છે."