ઑડી કારમાં લૂંટારા: સાઇકલવાળા પાસેથી પાંચ હજાર ઝૂંટવી ફરાર, ધમકી પણ આપી
Rajasthan Robbery: રાજસ્થાનના જયપુરમાંથી ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં લુંટારાઓ ચોરી કરવા બાઇક પર નહીં પરંતુ લક્ઝરી ઓડી કારમાં આવ્યા હતા. ઓડી જેવી લક્ઝરી કારમાં ચોરી કરવા આવેલા લૂંટારાઓએ માત્ર 5 હજાર રૂપિયા માટે બે યુવકોને માર માર્યો હતો. પીડિતોમાંથી એક સાયકલ પર અને બીજો સ્કૂટર પર જઇ રહ્યો હતો. ત્યારે ઓડી કારમાં સવાર ચાર બદમાશોએ ફિલ્મી ઢબે તેમની આગળ ગાડી રોકી તેમને માર મારવાનું શરૂ કર્યું હતું અને પછી તેઓ યુવકના ખિસ્સામાંથી 5000 રૂપિયા લઈને કારમાં ભાગી ગયા હતા. દરમિયાન આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
શું છે ઘટના?
આ ઘટના જયપુરના ઇમલી ગેટ પાસે બની હતી. જ્યાં રવિવારે સવારે લગભગ 4.13 કલાકે બે ભાઈઓ આશિષ કુમાર અને મનોજ કુમાર કરતારપુરાથી ઇમલી ગેટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક ઓડી કાર ખૂબ સ્પીડમાં આવીને તેમની સામે ઉભી રહી ગઇ હતી. ત્યારે બંને ભાઈઓ ગભરાઈ ગયા હતા, પછી ચાર બદમાશો કારમાંથી નીચે ઉતરી તેમને માર મારવા લાગ્યા હતા અને તેમની પાસેથી રોકડની માંગણી કરી તેમના ખિસ્સાની તપાસ કરતા બદમાશોને 5 હજાર રૂપિયા મળ્યા હતા. આ પછી, બહાર નીકળતી વખતે બદમાશોએ યુવકોને ધમકી આપી હતી કે જો પોલીસને કહ્યું તો પરિણામ ખરાબ આવશે. આ દરમિયાન મોર્નિંગ વોક પર નીકળેલા કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી હતી અને પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને ભાઈઓને ઘરે લઈ ગઈ હતી.
પોલીસે તપાસ શરૂ કરી
આ પછી બંને પીડિત ભાઈઓએ હિંમત ભેગી કરી જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રિપોર્ટ બાદ પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. જેમાં કારમાં સવાર બદમાશો આ સમગ્ર ઘટનાને અંજામ આપતા જોવા મળે છે. જોકે ફૂટેજમાં બદમાશોની ઓળખ થઈ શકી નથી. પરંતુ બદમાશો ઓડી જેવી લક્ઝરી કારમાં આવ્યા હતા. હવે પોલીસ વાહનના નંબરના આધારે બદમાશોને શોધી રહી છે.