રસ્તા બ્લોક હતા અને જાહેરાત બાદ મુસાફરો ભાગ્યા: દિલ્હીમાં નાસભાગ મુદ્દે RPFનો રિપોર્ટ
Image: Facebook
New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગને લઈને RPF એ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રેલવેની જાહેરાત બાદ મુસાફરોની ભીડ પ્લેટફોર્મ નંબર 12-13 થી 16 તરફ ભાગવા લાગી, જેનાથી પ્લેટફોર્મ નંબર 12,13,14,15,16 પર જતાં તમામ રસ્તા સંપૂર્ણરીતે જામ થઈ ગયા હતાં. સ્ટેશન પર સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખતાં RPF ઈન્સ્પેક્ટરે સ્ટેશન ડાયરેક્ટરને સ્પેશિયલ ટ્રેનને ઝડપથી ચલાવવાની સલાહ આપી હતી. રિપોર્ટમાં ખુલાસો કર્યો કે નાસભાગ રાત્રે 8:48 વાગે થઈ હતી. નાસભાગ બાદ રાહત મદદ આપવામાં 40 મિનિટથી વધુનું મોડું થયું હતું. રેલવેએ આરપીએફના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે અને તેને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું.
RPFના રિપોર્ટમાં જણાવાયું છે કે શનિવારે રાત્રે 8 વાગે શિવગંગા એક્સપ્રેસના પ્લેટફોર્મ નંબર 12થી રવાના થયા બાદ પ્લેટફોર્મ પર મુસાફરોની ખૂબ ભીડ એકઠી થવા લાગી હતી. જેનાથી પ્લેટફોર્મ નંબર 12,13,14,15,16 પર જતાં રસ્તા સંપૂર્ણરીતે જામ થઈ ગયા હતાં. તે બાદ RPF ઈન્સ્પેક્ટરે સ્ટેશન ડાયરેક્ટરને સ્પેશિયલ ટ્રેનને ઝડપથી ચલાવવાની સલાહ આપી અને પ્રયાગરાજ માટે દર કલાકે 1500 ટિકિટ વેચી રહેલી રેલવેએ ટીમને તાત્કાલિક ટિકિટ વેચવા પર રોક લગાવવા માટે કહ્યું હતું. આરપીએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સીસીટીવી ફુટેજમાં વધતી ભીડને જોઈને સ્ટેશન ડાયરેક્ટરને ટિકિટ જારી કરવાથી રોકવા માટે કહેવામાં આવ્યું.
સ્ટેશન ઈન્ચાર્જને નાસભાગની માહિતી આપી હતી
રિપોર્ટ અનુસાર ડ્યૂટી પર તહેનાત આરપીએફ સ્ટાફ જ્યારે 8.45 વાગે ભીડથી ભરેલા FOB 2 અને 3 ને ખાલી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12થી જશે. તેના થોડા સમય બાદ ફરીથી સ્ટેશન પર જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16થી જશે. તે બાદ મુસાફરોએ નાસભાગની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. આરપીએફ અનુસાર રાત્રે 8.48 વાગે ડ્યૂટી સ્ટેશન ઈન્ચાર્જને નાસભાગની માહિતી આપી.
જાહેરાત બાદ મુસાફરો ભાગવા લાગ્યા
રેલવે દ્વારા કરવામાં આવેલી જાહેરાત સાંભળીને પ્લેટફોર્મ 12-13 અને 14-15 થી પ્રયાગરાજ સ્પેશિયલના મુસાફર સીડીઓના માર્ગે ફૂટ ઓવર બ્રિજ 2 અને 3 પર ચઢવા માટે ભાગવા લાગ્યા. આ દરમિયાન બીજી ટ્રેનના મુસાફર સીડીઓથી ઉતરી રહ્યાં હતાં. જેમની વચ્ચે ધક્કા-મુક્કી થઈ અને આ અફરા-તફરીમાં અમુક લોકો લપસીને પડી ગયા, જેનાથી ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટના રાત્રે 08.48 મિનિટ પર થઈ હતી.
ભાગદોડ બાદ રાહત મદદ આપવામાં 40 મિનિટથી વધુ મોડું થયું. દિલ્હી ફાયરનું કહેવું છે કે તેમને દિલ્હી પોલીસથી નાસભાગ વિશે પહેલી માહિતી રાત્રે 09.55 વાગે મળી હતી. જોકે, રેલવેએ પોતાના સત્તાવાર કમ્યુનિકેશનમાં જણાવ્યું કે નાસભાગ રાત્રે 09.15 વાગે થઈ.
રેલવેએ આપી પ્રતિક્રિયા
રેલવેએ આરપીએફના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી છે. રેલવેએ કહ્યું, આ એક વ્યક્તિગત નિવેદન છે જે વ્યક્તિગત દ્રષ્ટિકોણને દર્શાવે છે. આ સિવાય આ સમિતિ સમક્ષ આપવામાં આવી નહોતી. ઘટનાના સમયે નવી દિલ્હી સ્ટેશન પર ઘણી બ્રાન્ચોમાં 300થી વધુ રેલવે કર્મચારી તહેનાત હતાં. ઉચ્ચ સ્તરીય સમિતિ મોટાભાગના વ્યક્તિઓના નિવેદન લેશે તથા તમામ નિવેદનો અને રેકોર્ડને વેરિફાઈ કરશે. તે બાદ જ પોતાનો અંતિમ અને વ્યાપક રિપોર્ટ આપશે.'
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે મચેલી નાસભાગમાં 18 મુસાફરોના શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. મૃતકોમાં 9 મહિલાઓ, 4 પુરુષ અને 5 બાળકો સામેલ છે. આ તમામ લોકો બિહાર, દિલ્હી અને હરિયાણાના રહેવાસી હતાં.