રોડ નિર્માણ કરનારી મહિલાઓને મલશે Paid મેટરનિટી લીવ, કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઈઝરી
- આ ઘોષણા 'સક્ષમ નારી સશક્ત ભારત' કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2024, બુધવાર
સરકારે રજિસ્ટર્ડ શ્રમિકોના કલ્યાણ અને અધિકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. મહિલા અને બાળ વિકાસ અને રોજગાર મંત્રાલયની એક સંયુક્ત એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે, રોડ નિર્માણ કરનારી કંપનીઓએ રજિસ્ટર્ડ મહિલા શ્રમિકોને પેઈડ મેટરનિટી લીવ આપવી જોઈએ. રજા મંજૂર કરવાની સાથે જ આ રજાઓ માટે ઓનલાઈન ચુકવણી કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઘોષણા 'સક્ષમ નારી સશક્ત ભારત' કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી છે.
સ્મૃતિ ઈરાનીએ કરી ઘોષણા
કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રજિસ્ટર્ડ રોડ નિર્માણ મહિલા શ્રમિકો બે ડિલિવરી સુધી 26 અઠવાડિયા માટે પેઈડ મેટરનિટી લીવ માટે હકદાર હશે. તેનો ઉદ્દેશ્ય ખાસ કરીને વર્કફોર્સમાં મહિલાઓને સમર્થન આપવાનો અને સશક્ત બનાવવાનો છે. આ ઉપરાંત સરકારે બેથી વધુ બાળકો ધરાવતી મહિલાઓની સાથે દત્તક લેવા ઈચ્છતી મહિલાઓની જરૂરિયાતો પર પણ વિચાર કર્યો છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓને 12 અઠવાડિયાની પેઈડ મેટરનિટી લીવ આપવાની જરૂર છે.
અધિકારીઓએ માત્ર કાગળ પર નહીં પરંતુ સક્રિય રીતે કામ કરવું
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અધિકારીઓએ માત્ર કાગળ પર સહી કરવા પૂરતુ જ નહીં પરંતુ આ મામલે સક્રિય રીતે કામ કરવા પર ભાર મૂકવો જોઈએ. આટલું જ નહીં જો કન્સ્ટ્રક્શન સાઈટ પર કોઈ મહિલાને ગર્ભપાતનો અનુભવ થાય તો કંપની મહિલાને 6 દિવસની પેઈડ મેટરનિટી લીવ આપશે.
વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી કાર્યક્રમ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ આ ઘોષણા કરી છે. આ કાર્યક્રમમાં રોજગાર મંત્રાલયે કંપનીઓ માટે આ એડવાઈઝરી જારી કરી જેમાં મહિલાઓને સશક્ત કરવા, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મહિલા કાર્યબળની ભાગીદારીને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે.
મેટરનિટી લીવમાં મળશે આ સુવિધા
મહિલા અને બાળ વિકાસ અને રોજગાર મંત્રાલયની સંયુક્ત એડવાઈઝરીમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે મહિલા શ્રમિકોને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા માટે તેઓએ નાઈટ શિફ્ટ દરમિયાન પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવી પડશે. મહિલા કર્મચારીઓનો પગાર તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.
કંપનીઓને સરકારની સલાહ
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની એડવાઈઝરી પ્રમાણે મહિલાના 6 મહિનાના બાળકો માટે એક પ્રોટોકોલ જારી કરવામાં આવ્યો છે. તે મુજબ કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં માસિક ફી પર આ સુવિધા આપવામાં આવે. બાળકોની સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને તેમની ઉંમર પ્રમાણે રમકડાં આપવા જોઈએ. આ ઉપરાંત સરકારી ઉપક્રમોમાં હોસ્ટેલની સુવિધા પણ આપવી જોઈએ. સરકારની આ પહેલને પગલે સાત કેન્દ્રીય યુનિવર્સિટીઓએ આ સબંધમાં પ્રસ્તાવ મૂક્યો છે.