હેલમેટ ન પહેરનારા 50,000થી વધુ લોકોએ 1 વર્ષમાં ગુમાવ્યા જીવ, સરકારે જાહેર કર્યો રિપોર્ટ-2022

2022માં 4.61 લાખથી વધુ અકસ્માતો સર્જાયા, જેમાં 1.68 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

હેલમેટ, સીટ બેલ્ટ સહિતની સુરક્ષાઓની અવગણનાના કારણે 2022માં 66744 લોકોએ ગુમાવ્યો જીવ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
હેલમેટ ન પહેરનારા 50,000થી વધુ લોકોએ 1 વર્ષમાં ગુમાવ્યા જીવ, સરકારે જાહેર કર્યો રિપોર્ટ-2022 1 - image

નવી દિલ્હી, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

India Road Accident Report 2022 : ઘણા વાહન ચાલકો દ્વારા હેલમેટ, સીટ બેલ્ટ સહિતની સુરક્ષાની અવગણના કરવામાં આવતી હોય છે, જેને કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. એક તરફ સરકાર દ્વારા અકસ્માતો ઘટાડવા ઘણા પ્રયાસો અને અભિયાનો ચલાવાતા હોય છે, તો બીજીતરફ લોકોની બેદરકારી પણ સામે આવતી હોય છે, તેના કારણે રોડ અકસ્માતોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં રોડ અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે, જે 2021 કરતા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે, એટલું જ નહીં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની પણ સંખ્યામાં વધારો થયો છે.

2022માં અકસ્માતોમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા અકસ્માત અંગેનો રિપોર્ટ-2022 (Road Transport Ministry Report 2022) જાહેર કાયો છે. રિપોર્ટ મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માતો નોંધાયા છે, જેમાં કુલ 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યો છે, ઉપરાંત 4,43,366 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022માં અકસ્માતોમાં 11.9 ટકા, મૃત્યુઆંકમાં 9.3 ટકા અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો છે. લોકોની બેદરકારી અને નિયમોની અવગણના કારણે પણ રોડ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. હેલમેટ અને સીટ બેલ્ટ સહિતના સુરક્ષા ઉપાયોની અવગણના કરવાના કારણે 66,744 લોકોએ જીવ ગુમાવ્યો છે.

હેલમેટ ન પહેરવાથી 50029 લોકોના મોત થયા

ટુ-વ્હિલર્સ વાહન (Two-Wheeler Vehicle) પર હેલમેટ પહેરવું ખુબ જ જરૂરી છે, તેનાથી મોતની સંભાવના ખુબ જ ઘટાડી શકાય છે. દરમિયાન ગત વર્ષે હેલમેટ (Helmet) ન પહેરવાના કારણે કુલ 50029 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં 35629 ડ્રાઈવરનો જ્યારે 14337 પાછળ બેસતા લોકોનો સમાવેશ થાય છે. જ્યારે સીટ બેલ્ટ (Seat Belt) ન પહેરવાના કારણે ગત વર્ષે 16715 લોકોના મોત થયા છે, જેમાં 8384 ડ્રાઈવરો અને 8331 સહયાત્રીનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News