દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ખાડાના લીધે કાર પલટી ખાઈ ગઈ; પિતા-પુત્ર અને પુત્રીનું મોત
Road Accident on Delhi Mumbai Expressway: રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર રસ્તા વચ્ચે ખાડો હોવાના લીધે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર હરિયાણાથી બાલાજીના દર્શ કરવા જઇ રહ્યો હતો. આ મૃતકોમાં પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.
અલવરમાં શુક્રવારે મોડી રાત્રે દિલ્હી-મુંબઇ એક્સપ્રેક્સ વે રોડ પર ખાડો હોવાથી ક્રેટા કાર પલટી જતા એક વ્યક્તિ અને તેના પુત્ર-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સાથે જ બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતક અને ઇજાગ્રસ્તો એક જ પરિવારના સભ્યો છે, જે હરિયાણાના નારનૌલથી બાલાજી દર્શન માટે નીકળ્યા હતા. આ અકસ્માત રાત્રે અલવર જિલ્લાના પિનાન નજીક ભડોલી પાસે સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ટાળે કારમાં છ લોકો સવાર હતા. તેમાં 8 વર્ષનો એક બાળક પણ હતો, જેને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી છે.
આ અકસ્માતમાં હરિયાણાના નારનૌલના રહેવાસી વિદ્યાનંદ (60) અને તેમના પુત્ર શુભમ યાદવ (28)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે શુભમના બહેન સોનિકા યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેને નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જવાઈ હતી અને ત્યાંથી અલવર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
બાલાજી દર્શન માટે નીકળ્યા હતા
આ અકસ્માતમાં શુભમના માતા સંતોષ યાદવ અને સોનિકા યાદવ (શુભમના બહેન)નો પુત્ર કારવ યાદવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. કારવે જણાવ્યું હતું કે ‘અમે બાલાજી મંદિર દર્શન માટે નીકળ્યા હતા. અકસ્માત પહેલાં અમે એક હોટલમાં રોકાયા હતા. હોટલેથી નીકળ્યા બાદ આ અકસ્માત સર્જાયો હતો. કારમાં મારી સાથે મારા નાના-નાની અને મામા પણ હતા. અકસ્માતની જાણ થતાં રૈણી પોલીસ અને પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રૈણી હોસ્પિટલમાં રખાયા છે.
તમને જણાવી દઇએ કે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ પર રિપેરિંગ ચાલી રહ્યું છે. અહીં રસ્તા ખોદેલા હતા અને બેરિકેડ્સ થોડે દૂર રખાયા હતા. તેથી રાતના સમયે ડ્રાઇવરને બેરિકેડ્સ દેખાયા નહી અને કાર ખાડામાં પછડાતા જ પલટી ખાઇ ગઇ. એવું કહેવાય છે કે, કાર હાઇવે પર લગભગ ચાર વખત પલટી ખાઇ ગઇ હતી.