ઓવરટેકના ચક્કરમાં ઓઈલ ટેન્કર બસમાં ઘૂસ્યો, ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોતથી ઓડિશામાં હાહાકાર
Image Source: Twitter
Ganjam Road Accident: ઓડિશાના ગંજામ જિલ્લામાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 20 યાત્રીઓ ઘાયલ થયા છે. આ અકસ્માતથી ઓડિશામાં હાહાકાર મચી ગયો છે.
અકસ્માતની સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને બરહમપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલ યાત્રીઓમાંથી અનેકની હાલત ગંભીર છે.
કેવી રીતે થયો આ ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત ગંજામ જિલ્લાના હિંજિલી પોલીસ સ્ટેશન વિસ્તારના સમ્બરઝોલ કંજુરુ ચોકમાં સર્જાયો હતો. ઓઈલ ટેન્કર એક ટ્રકને ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલી પેસેન્જર બસ સાથે તેની ભીષણ ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી ભીષણ હતી કે, બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો છે. આ બંને જ ગાડીઓ રસ્તા કિનારે ચાયની દુકાન પર ચઢી ગઈ. તેના કારણે દુકાન પર બેઠેલા ત્રણ વ્યક્તિ અને બસ ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. બસમાં સવાર 20 યાત્રીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
40થી વધુ યાત્રીઓ સાથે બરહમપુર તરફ જઈ રહી હતી બસ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભવાનીપાટનાથી ખમ્બેશ્વરી નામની પેસેન્જર બસ 40થી વધુ યાત્રીઓને લઈને બરહમપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન બરહમપુરથી આસિકા તરફ જઈ રહેલ ઓઈલ ટેન્કરે જોરદાર ટક્કર મારી દીધી.
આ અકસ્માત વધુ મોટો થઈ શક્યો હોત. રાહતની વાત એ છે કે, લગભગ 20 યાત્રીઓ ઘાયલ છે પરંતુ મોટા ભાગના યાત્રીઓ ખતરાથી બહાર છે. કેટલાકની હાલત ગંભીર છે. બરહમપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.