‘મંદિર માનસિક ગુલામીનો માર્ગ છે...’, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લાલુ-રાબડી દેવીના ઘર બહાર આરજેડીએ પોસ્ટર લગાવ્યા
ભગવાન શ્રી રામના નવા નિર્માણ પામેલા મંદિરમાં 22મી જાન્યુઆરીએ બિરાજમાન થશે.
Poster Controversy In Bihar: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમને લઈને કેટલા પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિવાદિત નિવેદનો આપવામાં આવે છે. આ વચ્ચે બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ(RJD) એક પોસ્ટર લગાવ્યું છે, જેમાં મંદિરને માનસિક ગુલામીનો માર્ગ બતાવવામાં આવ્યો છે.
પોસ્ટરમાં શું લખ્યું છે?
લાલુ-રાબડી દેવીના ઘરની બહાર ઘણાં પોસ્ટરો લાગ્યા છે. જેમાં મંદિર અને શિક્ષણ વચ્ચે સરખામણી કરવામાં આવી છે. આ પોસ્ટરમાં એક તરફ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવ છે તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની તસવીર છે. ઉપરના ભાગમાં ભગવાન બુદ્ધ, સમ્રાટ અશોક, સાવિત્રી બાઈ ફુલે સહિત અન્ય લોકોની તસવીર છે.
આ પોસ્ટરમાં લખ્યું છે કે, “મંદિર માનસિક ગુલામીનો માર્ગ અને શાળા જીવનમાં પ્રકાશનો માર્ગ છે. જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે સંદેશ આપે છે કે, આપણે અંધશ્રદ્ધા, પાખંડ, મૂર્ખતા અને અજ્ઞાનતા તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે શાળાની ઘંટડી વાગે છે ત્યારે આપણને તર્ક પૂર્ણ જ્ઞાન, વૈજ્ઞાનિકતા તથા પ્રકાશ તરફ આગળ વધવા સંદેશ મળે છે. હવે નક્કી કરો કે તમારે કઈ દિશામાં જવું છે: સાવિત્રી બાઈ ફુલે”
આરજેડીના ધારાસભ્યએ અગાઉ વિવાદિત નિવેદન આપ્યું હતું
આ પોસ્ટરમાં સનાતન અને હિંદુ દેવી-દેવતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપનારા આરજેડીના ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહની તસવીર પણ છે. તેણે દાઉદનગરમાં વિદ્યાની દેવી સરસ્વતી અને માં દુર્ગાને લઈને વાંધાજનક નિવેદન આપ્યું હતું.
નોંધનીય છે કે, ભગવાન શ્રી રામના નવા નિર્માણ પામેલા મંદિરમાં 22મી જાન્યુઆરીએ બિરાજમાન થશે. અયોધ્યામાં 15મી જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા સહિત 8 દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજાશે.