નીતીશ કુમાર પલટી મારે તે પહેલા જ આરજેડીનો મોટો દાવ! જીતન રામ માંઝીને કરી સીએમ પદની ઓફર
જીતન રામ માંઝી બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
Bihar Political Crisis: બિહારના રાજકારણમાં ભારે ઉથલપાથલના જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી (RJD)એ જીતન રામ માંઝીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી છે. જીતન રામ માંઝી હમ (HAM)ના નેતા છે અને તેમની પાર્ટીના વિધાનસભામાં ચાર ધારાસભ્યો છે જ્યારે RJD પાસે સૌથી વધુ 79 ધારાસભ્યો છે. જીતન રામ માંઝી બિહારના સીએમ રહી ચૂક્યા છે.
HAMએ આ ઓફર ફગાવી
આ અંગે HAM પાર્ટીના પ્રવક્તા ડેનિશ રિઝવાને મીડિયા સાથેની વાતચીતમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, 'જો RJD વડાપ્રધાન પદ માટે ઉમેદવાર આપશે તો પણ અમે તેમની સાથે નહીં જઈએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ અને રહીશું. બિહારમાં થોડાક કલાકોમાં મોટું પરિવર્તન આવશે. અમારા માટે પદ નહીં પરંતુ બિહારનો વિકાસ મહત્વનો છે. અમે NDA સાથે એક છીએ અને અમારા ધારાસભ્યો પણ સાથે છે.'
ઉલ્લેખનીય છે કે, આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતીશ કુમાર ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કવાયત કરી રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નીતીશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે નીતીશ કુમાર 28 જાન્યુઆરીએ 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમની સાથે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.