બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ
Bihar Assembly Election 2025: બિહારમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાજદના મોટા નેતાઓએ મહત્ત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાતચીત પણ કરી. આ વાતચીતમાં તેજસ્વી યાદવે બિહારમાં મહાગઠબંધનના સીએમ ફેસ મુદ્દે પણ જવાબ આપ્યો.
તેજસ્વી યાદવે CM ફેસ મુદ્દે આપ્યો જવાબ
તેજસ્વી યાદવે આ બેઠકને ખૂબ જ સકારાત્મક ગણાવી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમે બિહારમાં મહાગઠબંધનના સીએમ ફેસ હશો? આનો જવાબ આપતાં તેજસ્વી યાદવે કહ્યું કે, 'ખબર નહીં તમે લોકો કેમ ચિંતિત રહો છો. અમે લોકો પરસ્પર બેસીને સમજી લઈશું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે સીએમ ફેસ તમારાથી છુપાવીને નક્કી નહીં કરીએ. આ અંગે તમને જણાવવામાં આવશે.'
તમને જણાવી દઈએ કે, આ બેઠક પહેલા આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ દાવો કર્યો હતો કે, તેજસ્વી યાદવ બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનનો ચહેરો હશે. આ પહેલાં પણ આરજેડીના ઘણા નેતાઓ આ દાવો કરી ચૂક્યા છે. જોકે, કોંગ્રેસ શરુઆતથી જ કહેતી આવી છે કે, મુખ્યમંત્રીના ચહેરા અંગેનો નિર્ણય ચૂંટણી પછી લેવામાં આવશે.
17 તારીખે ફરી મહાગઠબંધનની બેઠક થશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ કર્યા બાદ તેજસ્વી યાદવે મીડિયાને કહ્યું કે, 'મહાગઠબંધનના નેતાઓની આગામી બેઠક 17મી તારીખે યોજાશે. અમે બધા 17મી તારીખે મહાગઠબંધનમાં અન્ય પક્ષો સાથે પણ બેઠક કરીશું. ડાબેરીઓ અને અન્ય પક્ષો સાથેની આ બેઠક પટનામાં યોજાશે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમે બિહારને સંપૂર્ણ મજબૂતીથી આગળ લાવવાનો સંકલ્પ લીધો છે.'
નીતીશ કુમાર હાઈજેક થઈ ચૂક્યા છે
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે સામ-સામે થયેલી વાતચીતમાં બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, 'બિહાર સાથે 'સાવકા' જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે. બિહાર સૌથી ગરીબ છે, ખેડૂતોની આવક સૌથી ઓછી છે અને બિહારમાં પલાયન સૌથી વધારે છે. NDA સરકારે બિહાર માટે કંઈ નથી કર્યું. અમે તમામ મુદ્દાઓના આધાર પર ચૂંટણી લડવા માગીએ છીએ.' બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતાં તેજસ્વી યાદવે કહ્યું કે, 'નીતીશ કુમાર હાઇજેક થઈ ચૂક્યા છે. જનતા જ માલિક છે અને બિહારમાં NDA સરકાર નથી બની રહી.'