એઆઈ આવડત વિનાના લોકો પાસે આવે તો દુરુપયોગનું જોખમ : પીએમ મોદી

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
એઆઈ આવડત  વિનાના લોકો પાસે આવે તો દુરુપયોગનું જોખમ : પીએમ મોદી 1 - image


- બિલ ગેટ્સ સાથે વડાપ્રધાને ટેકનોલોજીના ભવિષ્ય અંગે વાતચીત કરી

- કૃષિ, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં એઆઈ ચાવીરૂપ ભૂમિકા ભજવશે, ટેકનોલોજીથી ખરા અર્થમાં સ્ત્રી-સશક્તિકરણ થશે : પીએમ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બિલ ગેટ્સે ટેકનોલોજીના સંદર્ભમાં વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ એઆઈના સંદર્ભમાં મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું કે બિનઅનુભવી અને આવડત વગરના લોકો પાસે આ ટેકનિક આવશે તો તેનાથી દુરુપયોગનું મોટું જોખમ છે. એઆઈ ટેકનોલોજી દેશના સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્ત્વની સાબિત થશે એવું પણ તેમણે કહ્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ ટેકનોલોજીથી ક્લાઈમેટ સુધીના વિષયોની ચર્ચા કરી હતી.

માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સે વડાપ્રધાનના સત્તાવાર નિવાસ્થાને જઈને પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. એઆઈથી ડિજિટલ પેમેન્ટ સુધી તે વિષયની થીમ પર પીએમ મોદી અને બિલ ગેટ્સે લાંબી વાતચીત કરી હતી. ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાને દેશના ડિજિટલ પ્રોફાઈલના સંદર્ભમાં અને ડિજિટલ ક્રાંતિ સાથે જોડાયેલા દેશના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી અને એઆઈના જોખમે અંગે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે એઆઈ ખૂબ જ ઉપયોગી ટેકનોલોજી છે. તેનાથી મોટી ક્રાંતિ આવી રહી છે. પરંતુ જો એ આવડત અને અનુભવ વગરના લોકોના હાથમાં પહોંચશે તો એના દુરુપયોગનું મોટું જોખમ છે. એના દુષ્પરિણામો અત્યારથી જ જોવા મળી રહ્યાં છે. તે અંગે શું કરવું અને શું ન કરવું તે બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને એઆઈ જનરેટેડ કન્ટેન્ટમાં વોટરમાર્કની સુવિધા અનિવાર્ય કરવી જોઈએ. તેનાથી દુરુપયોગ અને દુષ્પ્રચાર રોકી શકાશે. એઆઈથી સર્જાતા ડીપફેકના કારણે સમાજને ભારે નુકસાન થાય છે.

વડાપ્રધાને એઆઈનો એક જાત અનુભવ કહ્યો હતો. કાશીમાં તમિલ કાર્યક્રમમાં તેમણે તમિલમાં ભાષાના લોકો સાથે વાત કરવા એઆઈ ટૂલનો ઉપયોગ કર્યો હતો. તેમણે હિન્દીમાં વાત કરી હતી, પરંતુ એ લોકોને તમિલમાં બધું સમજાઈ ગયું હતું. તેમણે કહ્યું કે એઆઈ ટેકનોલોજીને જાદુની રીતે જોવી ન જોઈએ. આળસ હોવાથી પણ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનો ક્યારે ઉપયોગ કરવો તેની ખબર હોવી જોઈએ. તેમણે કહ્યું કે: મારે તો ચેટજીપીટી સાથે સ્પર્ધા કરવી જોઈએ. હું એઆઈથી આગળ જવાની કોશિશ કરીશ.

પીએમ મોદીએ ટેકનોલોજીને સર્વાંગી વિકાસ સાથે જોડીને કહ્યું કે દેશના આર્થિક-સામાજિક વિકાસમાં ટેકનોલોજી ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ખાસ તો સ્ત્રીસશક્તીકરણમાં ટેકનોલોજી બહુ જ મોટી ભૂમિકા ભજવી રહી છે. દીકરીઓનું જીવનધોરણ સુધરે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય તે પ્રાથમિકતા છે. કેન્દ્ર સરકાર સ્વદેશી વૈજ્ઞાનિકોને સર્વાઈકલ કેન્સરનો ઈલાજ શોધવા ફંડ આપી રહી છે. એમાં ટેકનોલોજી મદદ કરશે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં આમ તો એઆઈ અને ટેકનોલોજી મહત્ત્વની બનવાની છે, પરંતુ કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એઆઈ સૌથી મોટું પરિવર્તન લાવશે. બાળકોના શિક્ષણમાં એઆઈ ક્રાંતિ કરશે. ગામડાંની મહિલાઓ માત્ર ગાય-ભેંસ ચરાવે છે એવું કહેવું યોગ્ય નથી. એ પણ હવે ડ્રોન પાયલટ બની ગઈ છે.


Google NewsGoogle News