દિલ્હી ભગવાન ભરોસેઃ 45 દિવસમાં ડૂબી જવાથી કે કરંટ લાગવાથી 15ના મોત પણ તંત્ર ઘોર નિંદ્રામાં
Drowning deaths in Delhi: વરસાદમાં દિલ્હી ક્યારેક નદી તો ક્યારેક ટાપુ બની જાય છે. ટ્રાફિક જામ થાય તો વાંધો નથી, પરંતુ તંત્રના કારણે કોઈનું અકાળે મૃત્યુ થાય ત્યારે સ્થિતિ અસહ્ય બની જાય છે. છેલ્લા 45 દિવસમાં દિલ્હીમાં ગેરવહીવટના કારણે 15થી વધુ લોકોના મોત થયા છે. MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) હોય કે NDMC (ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) વિસ્તાર, લોકોનું જીવન ભગવાન ભરોસે છે. કારણ કે અકસ્માતો પછી અકસ્માતો થતા રહે છે, માત્ર સ્થળ બદલાય છે, પણ તંત્ર નિંદ્રામાંથી જાગતું નથી.
પટેલ નગર અકસ્માત
યુવાનો કરિયર બનાવવા દિલ્હી આવે છે પરંતુ તંત્રની બેદરકારીનો શિકાર બને છે. પાછલા દોઢ મહિનામાં એટલે કે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. આ લોકોમાં ગાઝીપુરનો નિલેશ પણ સામેલ છે. જે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. તે જ્યાં રહેતો હતો તે પટેલ નગર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન તે ઘરે હાજર નહોતો, તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે ઘરમાં પ્રવેશવા લોખંડના ગેટને અડક્યો હતો, તેમાં ઇલેક્ટ્રિક કરંટ હતો. જેથી કરંટ લાગતા તેનું મોત થયું હતું.
યમુના વિહારમાં કરંટ લાગવાથી મહિલાનું મોત
13 જુલાઈએ દિલ્હીના યમુના વિહાર વિસ્તારમાં રસ્તા પર નજીકના પોલ પરથી કરંટ આવી ગયો હતો. ત્યારે રસ્તા પર એકઠા થયેલા વરસાદના પાણીમાંથી પસાર થતી વખતે 34 વર્ષીય પૂનમનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવા કરી માંગ, 'મિની વેકેશન' હોવાનો આપ્યો તર્ક
રાજેન્દ્ર નગર કોચિંગ ઘટના
27 જુલાઈના રોજ, દિલ્હીના રાજેન્દ્ર નગરમાં UPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાતાં મૃત્યુ થયું હતું. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. અકસ્માત સમયે ત્રણેય વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં હાજર હતા અને ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. બહાર નીકળવાની તક ન મળતાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.
ગાઝીપુરમાં માતા-પુત્રનું મોત
31મી જુલાઈના રોજ, ગાઝીપુરમાં નાળામાં ડૂબી જવાથી માતા-પુત્રના મોત થયા હતા. માતાની ઓળખ 22 વર્ષીય તનુજા અને પુત્રની ઓળખ 3 વર્ષીય પ્રિયાંશ તરીકે થઈ હતી.
પ્રેમ નગરમાં બે તરૂણોના મોત
9 ઓગસ્ટના રોજ, દિલ્હીના પ્રેમ નગરમાં મુદ્રાકા ગ્રાઉન્ડ (સરકારી જમીન) ખાતે વરસાદી પાણીના ભરાવાને કારણે 16 વર્ષના દિવ્યાંશ અને 17 વર્ષના મયંકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
આ પણ વાંચોઃ અમે અનામત પરથી 50 ટકાની સીમા હટાવી દઇશું: રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીની કરી માંગ
બુરારી-અશોક નગર અકસ્માત
રાષ્ટ્રીય રાજધાનીમાં પાણી ભરાવાને કારણે ડૂબી જવાથી અથવા વીજળી પડવાને કારણે આ દિવસોમાં ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે. બુરારીમાં પણ આવો જ એક અકસ્માત જોવા મળ્યો હતો. 12 ઓગસ્ટે બુરારી તળાવમાં 4 બાળકો ન્હાવા ગયા હતા. વરસાદથી તળાવ ભરાઈ ગયું હતું જેમાં બે બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. 18 ઓગસ્ટના રોજ, દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં ખુલ્લા ગટરમાં પડી જવાથી સાત વર્ષના પ્રિન્સનું મોત થયું હતું.
તંત્ર ઘોર નિંદ્રામાં
દિલ્હીમાં તાજેતરમાં ડૂબી જવાથી કે કરંટ લાગવાથી 45 લોકોના મોત થયાં હોવા છતાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) કે ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) દ્વારા કોઇ કાર્યાત્મક પગલાં લેવામાં ન આવતા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઇ રહ્યું છે. અકસ્માત બાદ માત્ર નાના કર્મચારીઓ કે જે તે ઘટના સાથે જોડાયેલા લોકોને ઘટના માટે જવાબદાર ઠેરવી દેવામાં આવે છે અને ત્યાર બાદ તંત્ર ફરી ભગવાન ભરોસે બેસી જાય છે, પરંતુ આવી દુર્ઘટનાઓને રોકવા કોઇ નક્કર ઉપાયો શોધતા નથી.