કાકા-ભત્રીજાની લડાઈમાં કોણ મજબૂત? ભૂપેશ બઘેલે 'શહેનશાહ' ફિલ્મનો ડાયલોગ બોલી આપ્યો જવાબ
CM ભૂપેશ બઘેલ પાટન વિધાનસભા બેઠક પર તેમના ભત્રીજા વિજય બઘેલ સામે ચૂંટણીના મેદાનમાં
Chhattisgarh assembly election : આજે છત્તીસગઢમાં પહેલા તબક્કા માટે નક્સલી વિસ્તારો સહિત 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાન વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે એક ફિલ્મી ડાયલોગ બોલ્યા હતા જે ચર્ચામાં આવ્યો છે. બઘેલ તેના ભત્રીજા સાથે થઇ રહેલી ટક્કરને લઈ આ ડાયલોગ બોલ્યા હતા. તેમને એક પત્રકાર દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારી ચૂંટણીમાં લડાઈ તમારા ભત્રીજા સાથે છે તો તમે તેના વિશે શું કહેશો? તો તે સમયે તેમણે અમિતાભની 'શહેનશાહ' ફિલ્મનો એક ડાયલોગ બોલતા કહ્યું કે, રિશ્તે મેં તો હમ....
CM બઘેલ બોલ્યા 'શહેનશાહ' ફિલ્મનો ડાયલોગ
જયારે પત્રકારોએ CM બઘેલને પૂછ્યું કે, કાકા-ભત્રીજા વચ્ચેની આ લડાઈમાં કોણ મજબૂત છે? ત્યારે બઘેલે તરત જ જવાબ આપતા 'શહેનશાહ' ફિલ્મનો ડાયલોગ બોલતા કહ્યું કે, રિશ્તે મેં તો હમ.... આટલું કહીને ભૂપેશ બઘેલ પોતે હસ્યા અને આસપાસ હાજર લોકો પણ હસી પડ્યા હતા. ભૂપેશ બઘેલે આ સંવાદ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે કાકા-ભત્રીજાની આ લડાઈમાં ભત્રીજાને હારનો સામનો કરવો પડશે છે.
કાકા-ભત્રીજા વચ્ચે ટક્કર
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પાટન વિધાનસભા બેઠક પર તેમના ભત્રીજા વિજય બઘેલ સામે ચૂંટણી લડી રહ્યા છે. વિજય બઘેલ ભાજપના દુર્ગથી સાંસદ છે. કાકા-ભત્રીજા વચ્ચે લાંબા સમયથી રાજકીય તકરાર જોવા મળે છે. બંને 2008 અને 2013માં પણ એકબીજાનો સામનો કરી ચુક્યા છે. જ્યારે 2008માં વિજયે તેના કાકાને હરાવ્યા હતા, જ્યારે 2013માં તેના ભત્રીજાને હારનો સામનો કરવો પડ્યો હતો.