પતિ પણ માંગી શકે છે ખાધા-ખોરાકી, પત્નીના ખોટા આરોપથી બચવા પુરુષો પાસે છે અનેક અધિકાર
Husband Rights in Divorce Case: સદીઓથી મહિલાઓ વિરૂદ્ધ હિંસાઓના બનાવો બનતાં રહ્યા છે. બળાત્કાર, એસિડ અટેક, દહેજ ઉત્પીડન, ઘરેલુ હિંસા જેવી ઘટનાઓથી મહિલાઓને સુરક્ષિત રાખવા અનેક કાયદા-નિયમો ઘડાયા છે. પુરૂષ પ્રધાન દેશમાં જ્યારે મહિલાઓ સશક્ત ન હતી, તે સમયે વિવિધ કાયદાઓથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી. પરંતુ આ કાયદાઓનો દુરૂપયોગ પણ એટલો જ થાય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ અતુલ સુભાષ છે. જેણે હાલમાં જ પત્ની દ્વારા યાતનાઓથી ત્રાસી આપઘાત કર્યો છે.
મહિલાઓને આ પ્રકારની હિંસાથી સુરક્ષા આપવા અનેક કાયદાકીય માર્ગો છે, તેવી જ રીતે પતિ પાસે પણ કેટલાક અધિકારો છે, જેની મદદથી તેઓ પોતાનો બચાવ કરી શકે છે.
છૂટાછેડા માગવાનો હક
ભારતમાં પુરૂષો પાસે પણ છૂટાછેડા માગવાનો હક છે. હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) હેઠળ પતિ છૂટાછેડાની અરજી કરવાનો અધિકાર છે. પુરૂષો પાસે પણ ઉત્પીડન, વ્યાભિચાર (એટલે કે લગ્નની બહાર સંબંધ રાખવો), ત્યાગ, પત્નીની માનસિક નબળાઇ વગેરેના કારણોસર છૂટાછેડા માગવાનો હક છે. મુસ્લિમ પુરૂષ શરિયા કાયદા હેઠળ છૂટાછેડા આપી શકે છે. પરંતુ તીન તલાક ગેરકાયદેસર છે.
સંપત્તિ પર અધિકાર
જો છૂટાછેડા સમયે સંપત્તિનો વિવાદ હોય તો પુરૂષ સંયુક્ત સંપત્તિમાં પોતાનો હિસ્સો માગી શકે છે. છૂટાછેડાની સ્થિતિમાં પતિને પત્નીને આપવામાં આવેલી સંપત્તિમાં હક મળતો નથી. પરંતુ જે સંપત્તિ બંનેએ સાથે મળીને ખરીદી હોય તેમાં પુરૂષનો પણ હક હોય છે.
બાળકોની કસ્ટડી
પુરૂષ પણ બાળકોની કસ્ટડી માગી શકે છે. હિન્દુ માઈનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ 1956 હેઠળ પિતાને પણ બાળકોની કસ્ટડી મેળવવાનો હક છે. કસ્ટડી માટે પતિએ સાબિત કરવું પડશે કે, તે બાળકોની સારી રીતે સંભાળ લઈ શકે છે.
કસ્ટડી માટે કોર્ટ આ બે સિદ્ધાંતોનું પાલન કરે છે
- સર્વોત્તમ હિત સિદ્ધાંતઃ જે હેઠળ બાળકોના હિતમાં શું સારૂ હશે.
- કલ્યાણ સિદ્ધાંતઃ બાળકોના કલ્યાણ માટે શું શ્રેષ્ઠ છે. કોર્ટ હંમેશા બાળકોના કલ્યાણને ધ્યાનમાં રાખી કસ્ટડી સોંપે છે.
- જોઈન્ટ કસ્ટડીઃ બાળકની મા અને પિતા બંનેને જોઈન્ટ કસ્ટડી પણ આપી શકે છે. જેમાં સમયાંતરે બાળકોને માતા-પિતા સાથે રહેવાની મંજૂરી મળે છે. આ સિવાય મુલાકાત લેવાનો હક પણ છે.
પતિને પણ મળે છે ભરણ-પોષણ
ભારતમાં એક ધારણા છે કે, ગુજરાન ચલાવવા માત્ર મહિલાઓને ભરણપોષણ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતીય કાયદામાં પુરૂષ પોતાની પત્ની પાસે ભરણ-પોષણ માટે વળતર માગી શકે છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 અને કલમ 25 અંતર્ગત જો પત્ની આર્થિક રૂપે સક્ષમ હોય અને પતિની આર્થિક સ્થિતિ નબળી હોય તો પતિ ભરણ-પોષણની માગ કરી શકે છે. ભારતમાં અત્યારસુધી એવા કેટલા કેસોમાં કોર્ટે મહિલાઓને ભરણ-પોષણ આપવાનો આદેશ આપ્યો છે. 2011માં રાની સેઠી બનામ સુનિલ સેઠી મામલે દિલ્હી હાઈકોર્ટે રૂ. 20000નું માસિક વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જેમાં કોર્ટે પતિની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાથી પત્નીને સામેથી ભરણ-પોષણ ચૂકવવા આદેશ કર્યો હતો.
ખોટા આરોપોથી કર્યો બચાવ
દહેજ ઉત્પીડન તથા ઘરેલુ હિંસાના ખોટા આરોપોમાંથી પુરૂષોને બચાવવા માટે કાયદાની જોગવાઈ છે. પુરૂષ કોર્ટમાં અપીલ કરી શકે છે કે, ખોટા આરોપો વિરૂદ્ધ પતિ અરજી કરી પુરાવા રજૂ કરી શકે છે.