Get The App

ખનીજો પર ટેક્સ વસૂલવાનો રાજ્યોને અધિકાર : સુપ્રીમ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ખનીજો પર ટેક્સ વસૂલવાનો રાજ્યોને અધિકાર : સુપ્રીમ 1 - image


- ખનીજો પર ટેક્સ મુદ્દે સુપ્રીમના 8 વિ. 1ના ઐતિહાસિક ચૂકાદાથી કેન્દ્રને મોટો ફટકો

- રોયલ્ટી એ ટેક્સ નથી 

- ખનીજોથી સમૃદ્ધ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને લાભ થશે : રોયલ્ટી મુદ્દે 31મીએ સુનાવણી

- ખનીજ અધિકારો પર કર વસૂલવાની રાજ્યોની શક્તિ પર મર્યાદા લાદવા સંસદ કાયદો બનાવી શકે : કેન્દ્ર 

- એમએમડીઆર કાયદામાં રાજ્યોની કર લગાવવાની શક્તિ પર મર્યાદા લગાવવાની કોઈ જોગવાઈ નથી : મુખ્ય ન્યાયાધીશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે ખનીજો પર ટેક્સ મુદ્દે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો પર ૩૫ વર્ષે ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. ખનીજો પર લાગતી રોયલ્ટી ટેક્સ નથી અને રાજ્યોને ખનીજો પર ટેક્સ વસૂલવાનો અધિકાર છે તેમ મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે તેના ચૂકાદામાં જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ૩૫ વર્ષ જૂના કેસમાં ૮ વિ. ૧ના બહુમતથી ચૂકાદામાં કહ્યું કે, બંધારણની જોગવાઈઓ હેઠળ સંસદ પાસે ખનીજ અધિકારો પર કર લાદવાની શક્તિ નથી.

મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બેન્ચે ૧૯૮૯માં તેની જ  સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચના ચૂકાદાને ઉલટાવી નાંખ્યો હતો, જેમાં બેન્ચે કહ્યું હતું કે, ખનીજો પરની રોયલ્ટી કર છે. સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી ખનીજોથી સમૃદ્ધ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને લાભ થશે. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં કહ્યું કે, બંધારણની જોગવાઈઓ મુજબ ખાણ અને ખનીજયુક્ત જમીન પર કર લાદવાનો અધિકાર વિધાનસભા પાસે છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે કહ્યું કે ન્યાયાધીશ બીવી નાગરત્નાએ એ બાબતે અસહમતિપૂર્ણ ચૂકાદો આપ્યો છે કે ખનીજો પર ચૂકવવામાં આવેલી રોયલ્ટી કર નથી. બીજીબાજુ અન્ય આઠ જજોએ એકમતે કહ્યું કે રોયલ્ટીને ટેક્સ માની શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ ચૂકાદો સંભાળવતી બંધારણીય બેન્ચમાં અન્ય ન્યાયાધીશોમાં ઋષિકેશ રોય, એએસ ઓક, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, ઉજ્જવલ ભુયાં, સતીશ ચંદ્ર શર્મા, ઑગસ્ટીન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે આઠ ન્યાયાધીશો તરફથી ચૂકાદો લખ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર દ્વારા ખાણ અને ખનીજોના વિકાસ નિયમન સંબંધિત બંધારણની યાદી-૧ની એન્ટ્રી ૫૪ હેઠળ સંસદ પાસે ખનીજો પર કર લાદવાનો અધિકાર નથી. રોયલ્ટી કર નથી. રોયલ્ટી માઈનિંગ લીઝની કરાર આધારિત શરતોમાંથી ઉદ્ભવતી ચૂકવણી છે. ખાણ-ખનીજો માટે થતી ચૂકવણીને માત્ર એટલા માટે કર ગણી શકાય નહીં, કારણ કે તેની રીકવરી એરિયર્સ તરીકે કરવામાં આવે છે. રોયલ્ટીને કર માનવામાં આવતા ઈન્ડિયા સીમેન્ટ્સના નિર્ણયને નકારી કાઢવામાં આવ્યો છે. એમએમડીઆર કાયદામાં રાજ્યોની કર લગાવવાની શક્તિ પર મર્યાદા લગાવવાની કોઈ વિશેષ જોગવાઈ નથી. એમએમડીઆર કાયદાની કલમ-૯ હેઠળ રોયલ્ટી કરની પ્રકૃતિમાં નથી આવતી.

સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો કેન્દ્ર સરકાર માટે મોટા ફટકા સમાન હોવા છતાં કેન્દ્રે કહ્યું કે, ખનીજ અધિકારો પર કર વસૂલવાની રાજ્યોની શક્તિ પર મર્યાદા લાદવા સંસદ કાયદો બનાવી શકે છે. કેન્દ્રે કહ્યું કે, લીસ્ટ-૨ની એન્ટ્રી ૫૦ હેઠળ 'કોઈપણ મર્યાદા' લાદી શકાય છે, જેમાં નિયંત્રણો, શરતો, પ્રિન્સિપલ્સ તેમજ પ્રતિબંધો લાદવા સહિતની વ્યાપક બાબતોનો અવકાશ છે.

રાજ્યોએ ખાણ અને ખનીજો પર કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં લગાવેલા કરોની વસૂલી મુદ્દે સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ખાણ અને ખનીજો પર કેન્દ્ર દ્વારા અત્યાર સુધી લગાવવામાં આવેલા કરોની વસૂલી મુદ્દે ૩૧ જુલાઈએ વિચારણા કરશે.

વર્ષ ૧૯૮૯ની બેન્ચે ખનીજો પર લાદવામાં આવતી રોયલ્ટીને ટેક્સ માન્યો હતો. તે સમયે સાત સભ્યોની બેન્ચે કહ્યું હતું કે, દેશમાં ખાણો અને ખનીજોના વિકાસ અંગે પ્રાથમિક અધિકાર કેન્દ્ર સરકારનો છે. રાજ્યો પાસે માત્ર રોયલ્ટી લેવાનો અધિકાર છે. આ સિવાય તેઓ ખનન અને ખનીજના વિકાસ પર અન્ય કોઈ ટેક્સ લાદી શકતા નથી. અમારું માનવું છે કે રોયલ્ટી એક કર છે અને કોઈપણ રાજ્ય સરકાર રોયલ્ટી પર સેસ લગાવી શકે નહીં, કારણ કે તે એક પ્રકારે કર પર કર લગાવવા જેવું થશે.

રાજ્યો ખનીજો પર ટેક્સ વસૂલશે તો સંઘીય વ્યવસ્થા પડી ભાંગશે : બી વી નાગરત્ના

ન્યાયાધીશ બીવી નાગરત્નાએ તેમના અસંમત ચૂકાદામાં કહ્યું કે, રાજ્યો પાસે ખાણ અને ખનીજયુક્ત જમીન પર કર લાગુ કરવાનો કાયદાકીય અધિકાર નથી. 

રોયલ્ટીની પ્રકૃતિ કર જેવી છે. એવામાં એમએમડીઆર કાયદા હેઠળ ખનીજોની રોયલ્ટી પર ટેક્સના મામલામાં રાજ્યોને ખનીજો પર ટેક્સ લગાવવાનો અધિકાર નથી. આ અધિકાર રાજ્યોને અપાય તો રાષ્ટ્રીય સંશાધનો પર એકરૂપતા નહીં રહી જાય. તેનાથી રાજ્યો વચ્ચે ખોટી સ્પર્ધા વધશે અને સંઘીય વ્યવસ્થા પડી ભાંગશે. 


Google NewsGoogle News