5700 કરોડની સંપત્તિના માલિક હવે મોદી સરકારમાં બનશે મંત્રી, જાણો NDAના આ સાંસદ વિશે
લોકસભા ચૂંટણી 2024ના સૌથી ધનવાન સાંસદ
મોદી કેબિનેટનો હિસ્સો બનશે પેમ્માસાની : ટીડીપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સવા સાત વાગ્યે ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લેશે. જો કે તેમની સાથે સાથે ઓછામાં ઓછા ત્રીસ સાંસદ પણ મંત્રી પદ માટે શપથ લેશે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. મોદી સરકાર 3.0માં અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી સિવાય ટીડીપી અને જેડીયુના બે-બે સાંસદ પણ મંત્રી બની શકે છે. આ લિસ્ટમાં ઘણા દિગ્ગજ નેતાઓના નામ શામેલ છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે નવી સરકારમાં ભલે પૂર્ણ બહુમત નથી, છતાં ભાજપનો દબદબો રહેવાનો છે. જો કે આ રહસ્ય પરથી જ્યારે મંત્રી મંડળ જાહેર થશે ત્યારે જ પડદો ઉઠશે. મોદી 3.0ના મંત્રી મંડળમાં એક એવા સાંસદના નામ પણ સામે આવી રહ્યું છે, જે લોકસભા ચૂંટણી 2024ના સૌથી ધનવાન સાંસદ છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમની સંપત્તિ 5700 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે.
અહીં વાત થાય છે તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ ચંદ્ર શેખર પેમ્માસાની વિશે. પેમ્માસાની 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનારા સૌથી અમીર સાંસદ છે. સૂત્રોનું માનીએ તો પેમ્માસાનીને મોદી સરકાર 3.0માં રાજ્ય મંત્રી તરીકે જગ્યા મળી શકે છે. પેમ્માસાની આંધ્ર પ્રદેશની ગુંટુર સીટ પરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે, જેમણે YSRCPના કિલારી વેંકટ રોસૈયાને 3.4 લાખ કરતાં પણ વધુ વોટોથી હરાવ્યા હતા.
મોદી કેબિનેટનો હિસ્સો બનશે પેમ્માસાની : ટીડીપી
ટીડીપી નેતા જયદેવ ગલ્લાના જણાવ્યા પ્રમાણે પેમ્માસાની મોદી 3.0 કેબિનેટમાં રાજ્યમંત્રી બની શકે છે. તેઓ પીએમ મોદી સાથે રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. ગલ્લાના જ જણાવ્યા પ્રમાણે પેમ્માસાની સિવાય અન્ય એક ટીડીપી સાંસદ રામ મોહન નાયડૂ કિંજરાપુ કેન્દ્રિય મંત્રી પદે શપથ લઈ શકે છે.
કોણ છે ટીડીપી સાંસદ ચંદ્ર શેખર પેમ્માસાની?
આંધ્રપ્રદેશના ગુંટુરના બુર્રિપલેમ ગામમાં જન્મેલા ચંદ્ર શેખર પેમ્માસાનીએ ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. તેમણે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી-સિનાઈ હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે પાંચ વર્ષ સુધી સેવા પણ આપી હતી. 48 વર્ષીય પેમ્માસાની યૂવર્લ્ડના સંસ્થાપક અને સીઈઓ છે. આ સિવાય તેઓ ટીડીપી એનઆરઆઈ સેલમાં પણ એક્ટિવ છે. તેમણે પેમ્માસાની ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. મહત્વનું છે કે પેમ્માસાની પાસે 2024ની લોકસભા ચૂંટણી લડનારા 8630 ઉમેદવારોમાં સૌથી વધારે સંપત્તિ હતી.