Get The App

ચોખા બની રહ્યા છે 'ઝેર', ભારત-ચીન અને દ.પૂર્વ એશિયામાં વધારે પડતા ઉપયોગથી કેન્સરની ભીતિ

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
ચોખા બની રહ્યા છે 'ઝેર', ભારત-ચીન અને દ.પૂર્વ એશિયામાં વધારે પડતા ઉપયોગથી કેન્સરની ભીતિ 1 - image


- ચોખામાં આર્સેનિકની માત્રા વધતી જાય છે, આ સીલસીલો ચાલુ રહેશે તો એકલા ચીનમાં જ 2050 સુધીમાં 1 કરોડ 93 લાખને કેન્સર થવાની ભીતિ

Rice and Cancer News : જે ચોખાને આપણે રોજેરોજ હોંશે-હોંશે ખાઈએ છીએ તે ઝેર બની રહ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં ઝેરી તત્વ આર્સેનિકની માત્રા ખતરનાક સ્તરે વધી રહી છે, તેથી કેન્સર થવાની ભીતિ ઉભી થાય છે.

દુનિયાની અર્ધોઅર્ધ વસ્તી ચોખાથી પેટ ભરે છે પરંતુ તે ચોખા ગંભીર આરોગ્ય સમસ્યા ઊભી કરી શકે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ઋતુ પરિવર્તનને લીધે ચોખામાં આર્સેનિકની માત્રા વધતી જાય છે. તેથી ચોખાના સૌથી વધુ ઉપયોગ કરનારા ભારત અને ચીન તથા દ.પૂ. એશિયાના દેશોમાં આર્સેનિકને લીધે મોંના, ગળાનાં, ફેફસાનાં અને ચામડીનાં કેન્સરની ભીતિ વધે છે.

રીપોર્ટ વધુમાં જણાવે છે કે, ચોખાનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ ચીનમાં આ સીલસીલો ચાલુ રહેશે તો 2050 સુધીમાં ત્યાં 1 કરોડ 93 લાખ લોકોને એક યા બીજા પ્રકારનું કેન્સર થવા સંભવ છે.

આ પરિસ્થિતિ અંગે વધુ વિગતો આપતાં રીપોર્ટ જણાવે છે કે સફેદ ચોખા કરતાં લાલ ચોખામાં પ્રોટિન ભલે વધુ હોય પરંતુ લાલ ચોખામાં આર્સેનિકનું પ્રમાણ વધુ હોય છે.

કોલંબિયા યુનિ.ના પ્રો. લૂઈ જિસ્કાનાં નેતૃત્વ નીચે રિસર્ચ ટીમે આ સંશોધન કર્યું છે. જોકે તેમણે તેમ પણ કહ્યું છે કે, ચોખામાં આર્સેનિકનું પ્રમાણ ઘટાડવા પહેલાં તેને સાદા પાણીથી બરોબર ધોવા, પછી ગરમ પાણીથી પણ ધોવા તે પછી તેને ખૂબ ઉકાળવા પછી તે પાણી નીતારી નાખવું તદ્દન નિતારી નાખવું. તો પ્રમાણમાં આર્સેનિકની માત્રા ૭૦ ટકા તો ઓછી થઈ જ જશે.

આ રીપોર્ટમાં પ્રો. લૂઈ જિસ્કાએ વધુમાં જણાવ્યું છે કે આ રીતે જો ચોખા ઓસાવામાં ન આવે તો આર્સેનિક માત્ર કેન્સર જ નહીં પરંતુ ડાયાબિટીસ, સગર્ભાવસ્થા સાથે સંકળાયેલી મુસીબતો, બાળકોનાં મગજના વિકાસમાં રૂકાવટ, નબળી રોગ પ્રતિકારક શક્તિ (લોસ ઓફ ઈમ્યુનિટી) અને તેને પરિણામે કેટલીય જાનલેવા બિમારીઓ લાગુ પડી શકે.

Tags :