દુષ્કર્મ પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ પર જાહેર કરવી ગુનો, જાણો શું છે સજા?
Kolkata Rape Case: કોલકાતાની આર. જી. કર હોસ્પિટલમાં થયેલા દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટ એક્શન મોડમાં છે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સુનાવણી દરમિયાન અનેક બાબતોને ધ્યાનમાં લઈ આકરૂ વલણ દર્શાવ્યું છે. લોકોને પીડિતાનુ નામા સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવા બદલ ફટકાર પણ લગાવી છે. 2012માં દિલ્હી ગેંગરેપ પીડિતાનું વાસ્તવિક નામ ઉજાગર કરવાના બદલે તે કેસને નિર્ભયા તરીકે ઓળખવામાં આવ્યો હતો.
બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવાની જોગવાઈ છે. જજોની બેન્ચે એક ઓર્ડર રજૂ કરતાં કહ્યું છે કે, સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર પીડિતાની ઓળખ ઉજાગર કરવામાં આવી છે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 72 હેઠળ બળાત્કાર કે યૌન શોષણ પીડિત વ્યક્તિની ઓળખ કોઈપણ વ્યક્તિ કે સમૂહ દ્વારા છતી કરવામાં આવે, તેની તસવીરો છાપે છે, સોશિયલ મીડિયા કે ટીવી પર દર્શાવે છે, તો ઓળખ જાહેર કરનારા વ્યક્તિને થોડા મહિનાથી માંડી બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ કાયદાની 64થી 72 કલમમાં મહિલાઓ અને બાળકો સાથે બળાત્કાર અને યૌન શોષણ પર વાત કરવામાં આવી છે.
કાયદા હેઠળ ક્યારે છૂટ
કલમ 72માં ઘણાં અપવાદ પણ છે. પીડિતાની મોતની સ્થિતિમાં બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરનારાને કોઈ સજા ન કરવાની જોગવાઈ છે. જો કે, તેના વિશે નિર્ણય લેવાનો હક સેશન જજ અથવા તેનાથી ઉપરી અધિકારીઓ પાસે જ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો બળાત્કાર પીડિતા પુખ્ત છે અને પોતાની સ્વતંત્ર ઇચ્છા અને કોઈપણ દબાણ વિના પોતાની ઓળખ જાહેર કરવાનું નક્કી કરે છે, તો આ બાબતે કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં. પરંતુ આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત તેને જ છે. યુપીના હાથરસ કેસમાં પણ કેટલાક લોકોએ પીડિતાની ઓળખ જાહેર કરી હતી. ત્યારે પણ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે મૃત્યુ પછી પણ પીડિતા કે તેના પરિવારની ગરિમા સાથે ચેડાં કરી શકાય નહીં.
ઓળખ જાહેર ન કરવાનો નિર્દેશ શા માટે?
સુપ્રીમ કોર્ટે આવા અનેક મામલા ટાંક્યા, જેમાં પીડિતાનું નામ સામે આવ્યા બાદ તેને અને તેના પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની ઓળખ જાહેર થયા પછી, ઘણાં લોકો અસંવેદનશીલતા સાથે ઘા પર મલમ લગાવવાના બદલે તેમાં મીઠું ભભરાવવાનું કામ કરે છે, જેથી પીડિતા ઈચ્છે તો પણ પોતાના સામાન્ય જીવનમાં પરત ફરી શકતી નથી. બળાત્કાર બાદ આ પ્રકારની વેદનાથી બચાવવા પીડિતાની ઓળખ ગુપ્ત રાખવાની જોગવાઈ અમલી બનાવાઈ છે.
પોલીસને પણ સૂચના
કોર્ટે પોલીસ અધિકારીઓને કેસ સાથે સંબંધિત દસ્તાવેજોને કાળજીપૂર્વક હેન્ડલ કરવાની સૂચના પણ આપી હતી. જે રિપોર્ટમાં પીડિતાની ઓળખ કરવામાં આવી છે તેને સીલ કરીને તપાસ એજન્સીઓ અથવા કોર્ટને મોકલવા જોઈએ જેથી ગોપનીયતા જળવાઈ રહે.
સુપ્રીમ કોર્ટે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે પીડિતોની ગુપ્તતા જાળવવાની જરૂર છે. કિશોરો અને બળાત્કાર પીડિતો સાથે સંકળાયેલા કેસોમાં, X અથવા તેના જેવા નામોનો ઉપયોગ તેમની ઓળખને સુરક્ષિત કરવા માટે કરવામાં આવે છે. BNSની કલમ 72 અગાઉ IPCની કલમ 228A હતી. જેમાં, બળાત્કાર પીડિતાની ઓળખ અથવા તેની ઓળખ તરફ દોરી જાય તેવા કોઈપણ સંકેતો પ્રકાશિત કરી શકાશે નહીં.
શું કોર્ટને ઓળખ જાહેર કરવાની સ્વતંત્રતા છે?
કોર્ટ પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી, પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટ સતત તેની વાત કરતી રહી. તેમણે કર્ણાટક અને રાજસ્થાન સહિત આવા ઘણાં કેસ તરફ ધ્યાન દોર્યું, જ્યાં કોર્ટએ કાર્યવાહી દરમિયાન પીડિતાની ઓળખ જાહેર કરી. જુલાઈ 2021ના એક આદેશમાં, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટના જજોને તેમના આદેશોમાં જાતીય અપરાધના કેસોના પીડિતોની ઓળખ જાહેર કરવાનું ટાળવા સૂચન કર્યું હતું.