કોલકાતા રેપ-મર્ડર મામલે ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: સેમિનાર હોલમાંથી ઝપાઝપીના કોઈ પુરાવા નથી મળ્યા
RG Kar Rape And Murder Case CFSL Report: કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટરના રેપ અને હત્યા મામલે નવો ખુલાસો થયો છે. આ ઘટના બાદ ઘટનાસ્થળની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. હવે આ તપાસનો રિપોર્ટ CBIને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જે જાણકારી સોંપવામાં આવી છે તે ચોંકાવનારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલના જે સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરની લાશ મળી હતી ત્યાં ઝપાઝપીના કોઈ પુરાવા નથી મળ્યા. એટલે કે ત્યાંથી એવો કોઈ પુરાવો નથી મળ્યો કે, ઘટનાસ્થળ પર આરોપી અને મહિલા ડોક્ટર વચ્ચે કોઈ સંઘર્ષ થયો હતો.
સેમિનાર હોલમાંથી ઝપાઝપીના કોઈ પુરાવા નથી મળ્યા
12 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેમિનાર હોલમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેથી ખબર પડે કે પીડિતા પર રેપ અને તેની હત્યા કરવામાં આવી હોય. રિપોર્ટના 12મા પેજની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે, જ્યાંથી ડોક્ટર યુવતીનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી સંઘર્ષના કોઈ પુરાવા મળ્યા નથી. જે ગાદલા પર મૃતદેહ પડેલો હતો તેના પર કોઈપણ પ્રકારની ઝપાઝપીના કોઈ નિશાન મળ્યા નથી.
જેના કારણે ડોક્ટર યુવતીનો રેપ- હત્યા બીજે ક્યાંક થઈ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. માથા અને પેટની નીચે ગાદલા પર લોહીના નિશાન મળી આવ્યા હતા, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાશ બીજે ક્યાંકથી લાવવામાં આવી છે.
કોલકાતા રેપ-મર્ડર મામલે રહસ્ય વધુ ઘેરાયું
CFSLની ટીમે એમ પણ કહ્યું કે, લાકડાના મંચ પર રાખવામાં આવેલા ગાદલા સિવાય ફ્લોરના કોઈપણ ભાગમાં અથવા તેની આસપાસ કોઈ જૈવિક ડાઘ (Biological Stains) જોવા નથી મળ્યો. આ ઉપરાંત વાદળી ચાદરવાળા લાકડાના ટેબલ પર કોઈ જૈવિક ડાઘ નથી મળ્યો. આ ફોરેન્સિક રિપોર્ટ બાદ આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે રેપ અને હત્યાના કેસનું રહસ્ય વધુ ઘેરાયું છે.
રિપોર્ટના પોઈન્ટ 4 અને 5 સૌથી વધુ મહત્ત્તવપૂર્ણ
આ રિપોર્ટના પોઈન્ટ 4 અને 5 સૌથી વધુ મહત્ત્તવપૂર્ણ છે. પોઈન્ટ નંબર 4માં લખ્યું છે કે, ઘટના સ્થળ પર ઝપાઝપીનું કોઈ નિશાન નથી મળ્યું, તો બીજી તરફ પોઈન્ટ નંબર 5માં લખ્યું છે કે, કોઈની પણ નજરમાં આવ્યા વિના આરોપીની ઘટના સ્થળ પર એન્ટર થવાની શક્યતા નહીવત છે.
મુખ્ય આરોપી સંજય રોય પોલીસ કસ્ટડીમાં
8-9 ઓગસ્ટના રોજ ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ CBI કરી રહી છે. મુખ્ય આરોપી સંજય રોય પોલીસ કસ્ટડીમાં છે. એજન્સીએ 7 ઓક્ટોબરે જ સ્પેશિયલ CBI કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.