નીટનું સુધારેલું પરિણામ જાહેર : ટોપર્સની સંખ્યા 61થી ઘટીને 17 થઈ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
નીટનું સુધારેલું પરિણામ જાહેર  : ટોપર્સની સંખ્યા 61થી ઘટીને 17 થઈ 1 - image


- 720માંથી 720 મેળવનારા 44 વિદ્યાર્થીઓના ગુણ ઘટીને 715

- 44 ટોપર સહિત 4.20 લાખ વિદ્યાર્થીઓના ચાર ગુણ પ્રશ્રના અને અન્ય એક ગુણ નેગેટિવ માર્કિંગના કપાયા

- સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખી એનટીએને નીટ-યુજી,2024ના પરિણામમાં સુધારો કરવાની ફરજ પડી

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે વિવાદોમાં ઘેરાયેલ નીટ-યુજી, ૨૦૨૪નું નવું સુધારેલું પરિણામ જાહેર કર્યુ છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને એનટીએને પરિણામમાં સુધારો કરવાની ફરજ પડી હતી. એનટીએએ દલીલ કરી હતી કે ભૌતિકશાસ્ત્રના એક પ્રશ્રના બે વિકલ્પો સાચા હોવાથી બેમાંથી ગમે તે વિકલ્પ પસંદ કરનારને ચાર ગુણ આપવામાં આવ્યા હતાં. 

જો કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ પ્રશ્રનો જવાબ નક્કી કરવા નવા પુસ્તકને ધ્યાનમાં લેવામાં આવે અને જુના પુસ્તકને આધારે આપેલ વિકલ્પને ખોટો ગણવામાં આવે. આ અગાઉ એનટીએએ જૂના અને નવા એમ બંને પુસ્તકોના જવાબોને સાચા ગણી બંને વિકલ્પો પસંદ કરનાર વિદ્યાર્થીઓને ચાર ગુણ આપ્યા હતાં.

સૌથી પહેલા જ્યારે નીટ-યુજી, ૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે ૬૭ વિદ્યાર્થીઓએ ૭૨૦માંથી ૭૨૦ ગુણ મેળવ્યા હતાં. જો કે ત્યારબાદ એનટીએએ ગ્રેસિંગ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને આ યાદીમાંથી દૂર કર્યા હતાં. જેના પછી પૂરા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૬૧ થઇ હતી.

હવે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભૌતિક વિજ્ઞાાનના એક પ્રશ્રના સંદર્ભમાં માર્કસ સુધારવામાં આવ્યા પછી પૂરા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૧૭ થઇ ગઇ છે. 

નવા સુધારવામાં આવેલા પરિણામમાં પૂરા માર્કસ મેળવનારા ૪૪ વિદ્યાર્થીઓના માર્કસ ઘટીને ૭૧૫ થઇ ગયા છે. ૪૪ ટોપર સહિત ૪.૨૦ લાખ વિદ્યાર્થીઓના ચાર ગુણ પ્રશ્રના અને અન્ય એક ગુણ નેગેટિવ માર્કિંગના કાપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે નીટ-યુજી, ૨૦૨૪ની પરીક્ષા પાંચ મે, ૨૦૨૪ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષા પછી ૧૫૬૩ વિદ્યાર્થીઓએ સમય ઓછો આપવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. જેના કારણે એનટીએએ તેમને ગ્રેસિંગ માર્કસ આપ્યા હતાં. જો કે વિવાદ થતાં એનટીએએ આવા વિદ્યાર્થીઓની ૨૩ જૂન, ૨૦૨૪ના રોજ ફરીથી પરીક્ષા લીધી હતી. 


Google NewsGoogle News