તેલંગાણા અદાણી ગ્રૂપ પાસેથી રૂ.100 કરોડનું ડોનેશન નહીં લે, અમેરિકાના લાંચકાંડને પગલે CM રેવંત રેડ્ડીનો નિર્ણય
Telangana Govt denies To accept Adani Group Fund: અદાણી ગ્રૂપ પર અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા લગાવાયેલા રૂ. 2200 કરોડની લાંચ આપવાના આરોપ અંગે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઊંડી તપાસની માગ કરી છે. આ દરમિયાન દેશભરમાં વિપક્ષ આક્રમક છે, ત્યારે તેલંગાણા સરકારે અદાણી ગ્રૂપ પાસેથી રૂ. 100 કરોડનું દાન નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
તેલંગાણાના સ્પેશિયલ ચીફ સેક્રેટરી જયેશ રાજને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણીને લેખિતમાં જાણ કરી છે કે, 'અમેરિકામાં અદાણી ગ્રૂપ પર લગાવાયેલા લાંચના આરોપો બાદ કંપની દ્વારા આપવામાં આવનારું રૂ. 100 કરોડનું ફંડ નહીં સ્વીકારીએ. આ ફંડ યુવાનોમાં સ્કીલ ક્ષમતાઓ ડેવલપ કરવા માટે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે આપવામાં આવ્યું હતું.'
આ દરમિયાન કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે, 'રાજ્ય સરકાર અદાણી ગ્રૂપ દ્વારા અપાનારું યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે રૂ. 100 કરોડનું દાન સ્વીકારશે નહીં. અમારા પર દાનનો અસ્વીકાર કરવાનું કોઈ જ દબાણ નથી. અદાણી ગ્રૂપ સામેના આરોપોને ધ્યાનમાં લેતાં અમે રાજ્યના હિત માટે આ નિર્ણય લીધો છે.'
તેલંગાણાને વિવાદોથી દૂર રાખવા લેવાયો નિર્ણય
તેલંગાણા સરકારે અદાણી ગ્રૂપ પર રૂ. 2200 કરોડના લાંચના આરોપોના પગલે વિવાદોથી દૂર રહેવાં આ નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ પણ ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડની માગ કરી હતી. તેમજ તેના શાસક રાજ્યોને સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે, 'રાજ્ય તથા કેન્દ્ર સરકારે ટેન્ડર્સ માટે પારદર્શક આમંત્રણ જાહેર કરવા જોઈએ. લોકશાહી દેશમાં યોગ્ય પ્રક્રિયા મારફત ટેન્ડર્સની ફાળવણી કરવી જોઈએ. પછી ભલે અદાણી હોય કે, અંબાણી કે ટાટા.'
નોંધનીય છે કે, અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં કેસ નોંધાયો છે, જેમાં કુલ આઠ આરોપી છે. જે અંતર્ગત ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને અમેરિકન સરકારે સમન્સ પણ પાઠવ્યા છે.