Get The App

370 માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, ભાજપનો ઉગ્ર વિરોધ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
370 માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, ભાજપનો ઉગ્ર વિરોધ 1 - image


- કેન્દ્રને વાતચીત માટે અબ્દુલ્લા સરકારનું આમંત્રણ

- ગેરબંધારણીય પ્રસ્તાવને પરત નહીં લો ત્યાં સુધી વિધાનસભાની કાર્યવાહી નહીં ચાલવા દઇએ : ભાજપ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા સરકારે કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની દિશામાં એક પગલુ ભર્યું છે. બુધવારે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે વાતચીત કરવા માટે કેન્દ્ર સરકારને આમંત્રણ આપ્યું હતું, સાથે જ આ મુદ્દે એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. ઉપમુખ્યમંત્રી સુરિંદર ચૌધરી દ્વારા રજુ કરાયેલા પ્રસ્તાવમાં કલમ ૩૭૦ને ફરી લાગુ કરવાની માગણી પણ કરવામાં આવી છે. જોકે આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષ ભાજપ દ્વારા આ માગણીનો ઉગ્ર વિરોધ કરાયો હતો. 

ભાજપે માગણી કરી નાખી છે કે જ્યાં સુધી કલમ ૩૭૦ને લાગુ કરવા માટે લાવવામાં આવેલા ઠરાવને પરત ખેંચવામાં ના આવે ત્યાં સુધી વિધાનસભાને નહીં ચલાવવા દઇએ. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનિલ શર્માએ કહ્યું હતું કે કલમ ૩૭૦ને ફરી લાગુ કરવા અને જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો પરત આપવા માટે જે ઠરાવ લાવવામાં આવ્યો તે ગેરકાયદે છે માટે તેને પરત લેવામાં આવે. આ માગણી ના સ્વીકારાય ત્યાં સુધી અમે વિધાનસભાની કાર્યવાહીને નહીં ચલાવવા દઇએ. વિધાનસભાની કાર્યવાહીની યાદીમાં આ ઠરાવનો કોઇ જ ઉલ્લેખ નહોતો. વિધાનસભાના સ્પીકર સત્તાધારી નેશનલ કોન્ફરંસના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.

 કોંગ્રેસના નેતાઓએ પણ આ ઠરાવ મુદ્દે પોતે સમર્થનમાં છે કે વિરોધમાં તે મુદ્દે સ્પષ્ટતા કરવી જોઇએ. ભાજપે પણ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે પરંતુ તેના અમલ માટે યોગ્ય સમયની રાહ જોવી જરૂરી છે. 

આ સમગ્ર વિવાદ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં રજુ થયેલા કલમ ૩૭૦ના ઠરાવને લઇને શરૂ થયો હતો, આ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે કે જમ્મુ કાશ્મીરની સુરક્ષા, સંસ્કૃતિ અને અધિકારોના રક્ષણ માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જરૂરી છે. ઉપમુખ્યમંત્રી ચૌધરીએ કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ને એક તરફી નિર્ણયથી હટાવવો ચિંતાજનક છે. રાષ્ટ્રીય એકતા સાથે સંતુલન જાળવવા માટે તેમજ જમ્મુ કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અને સન્માનને ધ્યાનમાં રાખીને આર્ટિકલ ૩૭૦ ફરી લાગુ કરવી જરૂરી છે. આ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાની સાથે જ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે વિવાદ વચ્ચે જ આ પ્રસ્તાવને વિધાનસભાના અધ્યક્ષે મતદાનથી પસાર કરી દીધો હતો. આર્ટિકલ ૩૭૦ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો હતો, વર્ષ ૨૦૧૯માં આ આર્ટિકલને રદ કરી દેવાયો હતો જે બાદ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો હતો. સાથે જ લદ્દાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું હતું.  


Google NewsGoogle News