Get The App

4 જૂને જેની પણ સરકાર બનશે તેના હાથમાં હશે 'જેકપોટ', RBIએ કેન્દ્રને આપ્યું વિક્રમજનક ડિવિડન્ડ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
4 જૂને જેની પણ સરકાર બનશે તેના હાથમાં હશે 'જેકપોટ', RBIએ કેન્દ્રને આપ્યું વિક્રમજનક ડિવિડન્ડ 1 - image


RBI Dividend News | રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને તેના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ ૨.૧૧ લાખ કરોડના  ડિવિડન્ડની ચૂકવણી કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨.૧૧ લાખ કરોડ રુપિયાના ડિવિડન્ડની ચૂકવણી કરવાનું છે. આ  રકમ રિઝર્વ બેન્કે ૨૦૨૨-૨૩માં કેન્દ્ર સરકારને ચૂકવેલા રુ. ૮૭,૪૧૬ કરોડની તુલનાએ ૧૪૦ કાનો વધારો દર્શાવે છે. આમ ચાર જુનના રોજ નવી સરકાર બનશે તેના હાથમાં સીધો ૨.૧૧ લાખ કરોડ રુપિયાનો જેકપોટ તૈયાર હશે. આ રકમ સરકારને નાણાકીય ખાધ અંકુશમાં રાખવામાં મદદ કરશે. 

રિઝર્વ બેન્કે સરકારને અત્યાર સુધીમાં સૌથી વધુ ડિવિડન્ડ ૨૦૧૮-૧૯માં ચૂકવ્યું હતું. આ રકમ રુ. ૧.૭૬ લાખ કરોડ હતી. રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ગવર્નર શશીકાંતા દાસની આગેવાની હેઠળ મળેલી ૬૦૮મી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કે સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પેટ રુ. ૨,૧૦,૮૭૪ કરોડ રુપિયા અનામત પેટે ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ રકમ સરકારને વર્તમાન નાણાકીય વર્ષ માટેની ખાધ જીડીપીના ૫.૧ ટકા એટલે કે ૧૭.૩૪ લાખ કરોડ રુપિયા પર રાખવામાં મદદ કરશે. 

ઉલ્લેખનીય છે કે સરકારે ૨૦૨૪-૨૫ના બજેટમાં રિઝર્વ બેન્ક અને જાહેર નાણા સંસ્થાઓ પાસેથી ડિવિડન્ડ પેટે ૧.૦૨ લાખ કરોડ રુપિયાની આશા રાખી હતી. તેના બદલે તેનાથી બમણી રકમ તો એકલી રિઝર્વ બેન્કે જ આપી દીધી છે.  આ ઉપરાંત તાજેતરમાં જ જીએસટીનું માસિક કલેકશન બે લાખ કરોડ રુપિયાને વટાવી ગયું છે. આગામી સમયમાં પણ જીએસટી કલેકશનમાં ઊંચા દરે વૃદ્ધિ જારી રહે તેવી સંભાવના છે. આમ હાલમાં તો સરકારને બધા મોરચે સારા સમાચાર મળી રહ્યા છે. 

કરન્સી પ્રિન્ટિંગ ફી મારફત થતી આવક, ડોલર રિઝર્વના મૂલ્યાંકનમાં વધઘટ તથા ઈન્વેસ્ટમેન્ટસ પર થતી  આવકમાંથી વધારાની આવક રિઝર્વ બેન્ક દર વર્ષે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરે છે. રકમ ટ્રાન્સફર કરવામાં બિમલ જાલન સમિતિએ કરેલી ભલામણને ધ્યાનમાં લેવામાં આવે છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 

જાલન સમિતિની ભલામણ  પ્રમાણે આકસ્મિક સમયની આવશ્યકતાને પહોંચી વળવા રિઝર્વ બેન્કે તેની બેલેન્સશીટસના ૫.૫૦થી ૬.૫૦ ટકા રકમ જાળવી રાખવાની રહે છે. સિક્યુરિટીઝના ઘસારા અથવા વિનિમય દરની નીતિને લગતા જોખમો વગેરેને કારણે ઊભી થતી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આ રકમ જાળવી રાખવાની રહે છે. 

તાજેતરના વર્ષોમાં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આક્રમક વધારાને કારણે રિઝર્વ બેન્કને તેની ફોરેકસ એસેટસ પર વ્યાજની ઊંચી રકમ મળી રહેતા  પૂરા થયેલા નાણાકીયં વર્ષ ૨૦૨૩-૨૪ પેટે ઊંચું ડિવિડન્ડસ શકય બન્યું છે.

વધુ રકમ મળી રહેતા સરકારની નાણાં સ્થિતિ મજબૂત બનવા સાથે રાજકોષીય ખાધ પણ નીચી રહી શકશે. આ ડિવિડન્ડસ નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ પેટે જાહેર કરાયું છે પરંતુ સરકારના નામાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ચોપડામાં તે જોવા મળશે. 


Google NewsGoogle News