'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં' સુપ્રીમ કોર્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન, પશ્ચિમ બંગાળે કર્યો બચાવ
Reservation Not Categories By Religion: સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળમાં અનેક જાતિઓને આપવામાં આવેલા ઓબીસીના દરજ્જા પર સુનાવણી કરતાં સોમવારે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. કોલકાત્તા હાઇકોર્ટે 2010થી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવેલી અનામત રદ કરતાં આ નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે આ નિવેદન આપ્યું હતું.
હાઇકોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અનામત ધર્મના આધારે આપી શકાય નહીં. જેની સામે દલીલ કરતાં રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ અનામત ધર્મના આધારે આપવામાં આવી નથી, પરંતુ તે પછાતપણાના આધારે નિર્ધારિત કરવામાં આવી છે.
હાઇકોર્ટે અનામત રદ કરી હતી
કોલકાત્તા હાઇકોર્ટે 2010થી વિવિધ જાતિને ઓબીસીનો દરજ્જો ફાળવી આપવામાં આવેલી અનામત રદ કરી હતી. જેનો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થોમાં દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જણાવી અનામતને ગેરકાયદે ઠેરવી હતી. હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
હાઇકોર્ટે એપ્રિલ, 2010 અને સપ્ટેમ્બર, 2010 વચ્ચે 77 કેટેગરીઓને આપવામાં આવેલી અનામતને રદ કરી દીધી હતી. તેણે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) (સેવાઓ અને પોસ્ટ્સમાં ખાલી જગ્યાઓનું અનામત) અધિનિયમ, 2012 હેઠળ ઓબીસી તરીકે અનામત માટેની 37 કેટેગરીને પણ રદ કરી હતી.
લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં
હાઇકોર્ટના નિર્ણયને ખોટો ઠેરવતાં વરિષ્ઠ વકીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાઇકોર્ટના આ નિર્ણયથી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરવા ઇચ્છુક લાખો વિદ્યાર્થીઓના અધિકારો પર અસર થશે. સરકારી નોકરીની ઇચ્છા ધરાવતાં યુવાનોને પ્રતિકૂળ અસર કરશે. જેથી આ મુદ્દે વચગાળાનો આદેશ આપવા અને હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂકવા અપીલ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે વિગતવાર સુનાવણી 7 જાન્યુઆરીના રોજ કરશે. 5 ઑગસ્ટના રોજ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઓબીસી સૂચિમાં સમાવિષ્ટ નવી જાતિઓની સામાજિક અને આર્થિક પછાત અને જાહેર ક્ષેત્રની નોકરીઓમાં તેમના અપૂરતા પ્રતિનિધિત્વ અંગેના આંકડાકીય માહિતી આપવા જણાવ્યું હતું.