મેડિકલ કોલેજમાં PG કોર્સમાં ડોમિસાઈલના આધારે અનામતનો લાભ નહીં, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
SC on reservation in Medical Colleges: દેશભરમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટે લાગુ અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ કોલેજમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં ડોમિસાઈલના આધારે અનામતનો લાભ નહીં મળે. કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવ્યો છે.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
કોર્ટે તેને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાવતા જણાવ્યું હતું કે, આ અનામતને લાગુ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના 3 જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસ.વી.એન. ભઠ્ઠીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. બેન્ચે ચુકાદામાં કહ્યું કે,'આપણે બધા ભારતના નિવાસી છીએ. અહીં રાજ્ય કે પ્રાદેશિક ડોમિસાઈલ જેવું કંઈ જ નથી. ફક્ત એક ડોમિસાઈલ છે અને એ છે કે આપણે ભારતના વતની છીએ.'
સુપ્રીમ કોર્ટની બેન્ચે કરી સ્પષ્ટતા
આ સાથે બેન્ચે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે બંધારણની કલમ 19 હેઠળ દરેક નાગરિકને ભારતના કોઈ પણ હિસ્સામાં રહેવા, વેપાર કરવા અને પ્રોફેશનલ વર્ક કરવાનો અધિકાર છે. આ અધિકાર શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રવેશના સંદર્ભમાં પણ લાગુ થાય છે અને ડોમિસાઈલ આધારિત કોઈપણ પ્રતિબંધ પીજી લેવલના આ મૌલિક સિદ્ધાંતને અવરોધે છે.
જસ્ટિસ ધુલિયાનું મહત્ત્વપૂર્ણ અવલોકન
સુપ્રીમ કોર્ટે એ વાત સ્વીકારી કે અમુક હદ સુધી ડોમિસાઈલ આધારિત અનામત અંડરગ્રેજ્યુએટ (MBBS) માટેના એડમિશનમાં માન્ય ગણી શકાય પણ પીજી મેડિકલ કોર્સમાં તે લાગુ ન કરી શકાય. કોર્ટે કહ્યું કપીજી કોર્સમાં નિપુણતા અને સ્કિલ મહત્ત્વપૂર્ણ હોય છે. જસ્ટિસ ધુલિયાએ આ ચુકાદાનું અવલોકન કરતાં કહ્યું કે જોકે પીજી મેડિકલ કોર્સમાં નિષ્ણાત ડૉક્ટરની જરૂરિયાત વધુ હોય છે એટલા માટે આવાસ આધારિત અનામત હાઈ લેવલ પર બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાશે.