'થેન્ક્યૂ ઈન્ડિયા, ફ્રાન્સ માટે માટું સન્માન...', પ્રજાસત્તાક દિવસે ઇમેન્યુઅલ મેક્રોનનું નિવેદન, કિંગ ચાર્લ્સ IIIએ પણ પાઠવી શુભેચ્છાઓ
Republic Day 2024 Celebration : પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. આ દરમિયાન તેમણે ભારતનો આભાર માનતા કહ્યું કે, 'આ ફ્રાન્સ માટે ખુબ જ સન્માનની વાત છે. આ પહેલા તેઓ કર્તવ્ય પથ પર થયેલા ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.'
'ફ્રાન્સ માટે મોટું સન્માન, થેન્ક યૂ ઈન્ડિયા'
પરેડ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'આ ફ્રાન્સ માટે ખુબ જ સન્માનની વાત છે. આભાર ભારત.' પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે ઇમેન્યુઅલ મેક્રોનની સાથે ફ્રાન્સની માર્ચિંગ ટીમ અને બેન્ડ ગ્રુપ પણ સાથે આવ્યું. આ છઠ્ઠી વખત હતું જ્યારે કોઈ ફ્રાન્સના નેતા આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યા.
આ પહેલા ભારત મુલાકાતના પહેલા દિવસે તેઓ જયપુરમાં રહ્યા. ત્યારબાદ બીજા દિવસે વડાપ્રધાન મોદીની સાથે તેમણે પ્રજાસત્તાક દિવસની પરેડ અને ઝાંકીઓ નિહાળી.
કિંગ્સ ચાર્લ્સ IIIએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને પત્ર લખ્યો
આ સિવાય યૂનાઈટેડ કિંગડમના રાજા ચાર્લ્સ તૃતીયએ પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુમ્મૂને એક પત્ર લખીને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, 'તમારા રાષ્ટ્રીય દિવસના વિશેષ અવસરે હું અને મારી પત્ની ભારત ગણરાજ્યના લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવા માંગીએ છીએ.'
'આપણા સંબંધો વધુ ગાઢ બને'
તેમણે વધુમાં લખ્યું કે, 'હું આપણા દેશો વચ્ચેના ગાઢ સંબંધોની કદર કરું છું અને મને વિશ્વાસ છે કે કોમનવેલ્થની આ ખૂબ જ ખાસ 75મી વર્ષગાંઠના વર્ષમાં આપણા સંબંધો વધુ ગાઢ બનશે, જે મૂલ્યો અને આકાંક્ષાઓની યાદ અપાવે છે જે આપણને એક કરે છે.'