Get The App

સંભલની જામા મસ્જિદનો રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટને સુપરત

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
સંભલની જામા મસ્જિદનો રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટને સુપરત 1 - image


- 45 પાનાંના રિપોર્ટમાં 1200 ફોટો અને ત્રણ કલાકનું વિડિયો ફૂટેજ પણ સામેલ       

- 21 નવેમ્બરે થયેલાં સર્વે દરમ્યાન થયેલી હિંસા અને તોફાનોમાં ચાર જણાંના મોત થયા હતા

નવી દિલ્હી : જામા મસ્જિદમાં હરિહર મંદિર હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યા બાદ નીમવામાં આવેલાં એડવોકેટ કમિશનર દ્વારા બે તબક્કામાં કરવામાં આવેલાં મસ્જિદના સર્વેનો રિપોર્ટ સીલબંધ કવરમાં સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહની અદાલતમાં બંને પક્ષોના વકીલોની હાજરીમાં ગુરૂવારે સુપરત કરવામાં આવ્યો હતો. બુધવારે જામા મસ્જિદની ઇન્તઝામિયા કમિટીએ સર્વે રિપોર્ટ વહેલો સુપરત કરવા વિનંતી કરી હતી. ૪૫ પાનાંના આ સર્વે રિપોર્ટમાં ૧૨૦૦ ફોટો અને ત્રણ કલાકનું વિડિયો ફૂટેજ પણ સામેલ છે. 

૧૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને આઠ લોકોની તરફથી દાવો કર્યો હતો કે સંભલની જામા મસ્જિદની અંદર હરિહર મંદિર આવેલું છે. અદાલતે એ જ દિવસે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો અને વકીલ રમેશસિંહને એડવોકેટ કમિશનર નીમ્યા હતા. ૧૯ નવેમ્બરે જ સાંજે એડવોકેટ કમિશનરની સાથે બંને પક્ષોના લોકોએ જામા મસ્જિદ પહોંચી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવી હતી. દોઢ કલાક સર્વે થયા બાદ ભીડ બેકાબૂ બનતાં અને અંધારૂ થઇ જતાં સર્વેની કામગીરી બંધ કરવામાં આવી હતી. 

એ પછી ૨૧ નવેમ્બરે એડવોકેટ કમિશનર સર્વે કરવા ગયા ત્યારે એકત્ર થયેલી ભીડે વિરોધ કર્યો હતો. ત્રણ કલાક સર્વે ચાલ્યો એ દરમ્યાન હિંસા ફાટી નીકળતાં ચાર જણાંના મોત થયા હતા. એ પછી અદાલતમાં સુનાવણીની તારીખ ૨૯ નવેમ્બર નક્કી કરાઇ હતી. પણ એડવોકેટ કમિશનરે તબિયત સારી ન હોઇ દસ દિવસની મહોલત માંગી હતી. દરમ્યાન એડવોકેટ કમિશનરે ફરી તબિયત બગડી હોવાનું જણાવી બીજા પંદર દિવસની મહેતલ માંગી હતી. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ મામલે છ જાન્યુઆરી સુધી લોઅર કોર્ટ કોઇ આદેશ ન આપે.જામા મસ્જિદની કમિટીને પણ હાઇકોર્ટમાં તેની અપીલ કરવા જણાવાયું હતું. હાઇકોર્ટને પણ ત્રણ દિવસમાં મામલાની સુનાવણી કરવા જણાવાયું હતું. સિવિલજજની અદાલતમાં સુનાવણી માટે આઠ જાન્યુઆરીની તારીખ નક્કી કરાઇ હતી.  દરમ્યાન સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વેમાં જામા મસ્જિદમાં મંદિર હોવાના ઘણાં પુરાવા મળ્યા છે. મસ્જિદમાં જુના ઢાંચાને બદલી તેની જગ્યાએ નવું બાંધકામ કરાયું હોવાના પુરાવા પણ મળ્યા છે. 


Google NewsGoogle News