કુતુબ મિનાર પણ હટાવી દો, અહીં બાબર, અકબર, હુમાયૂની શું જરૂર...?', ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન
Image Source: Twitter
Giriraj Singh on Opposition Parliament Chaos: સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે. જો કે સંસદ સત્રમાં વિપક્ષ સતત અવાજ ઉઠાવી રહ્યો છે. સંભલ મસ્જિદ વિવાદથી લઈને અદાણી સુધી વિપક્ષ સરકારને ઘેરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષ પર પલટવાર કરતા વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે.
વિપક્ષ પર કર્યો પલટવાર
હકીકતમાં સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત આરોપ લગાવી રહ્યો છે કે, સરકાર સંભલથી લઈને અદાણી સુધીના મુદ્દાઓ પર ભાગવાનો પ્રયાસ કરી રહી છે. તેના જવાબમાં ગિરિરાજ સિંહે કહ્યું કે, વિપક્ષ આ બધું કહીને પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યો છે. ગૃહમાં એડવાઈઝરી કમિટીની બેઠક દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે. તો તે સમયે તમે તમારા મુદ્દાઓ નક્કી કરો અને ચર્ચા કરો. પરંતુ વાસ્તવિકતા એ છે કે વિપક્ષ ચર્ચા કરવા નથી માગતો માત્ર હંગામો મચાવવા માગે છે. જનાતાના પૈસાની બરબાદી થાય છે, અને આ જનતા સાથે અન્યાય છે.
આ પણ વાંચો: અજિત પવાર દિલ્હી ઉપડ્યાં, શિંદેએ આજની તમામ બેઠકો રદ કરી, મહારાષ્ટ્રમાં મડાગાંઠ વધી
ખડગેના આરોપોનો આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના આરોપોનો જવાબ આપતા ગિરિરાજ સિંહે કહ્યું કે, ખડગે સાહેબ સમાજમાં ભ્રમ ન ફેલાવો. સમાજની નૈતિકતાને બરબાદ ન કરશો. તમે હિંદુ-મુસ્લિમ કરો છો. સર્વેને કારણે ઘર તૂટી પડે છે કે મસ્જિદ તૂટી પડે છે? સર્વે કરાવવાનો કોર્ટનો આદેશ હતો. તો શું તમે કાયદાને નથી માનતા? દરેક વ્યક્તિએ કાયદાનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચો: તાજમહેલ-લાલ કિલ્લો પણ મુસ્લિમોએ બનાવ્યો, તેને પણ તોડશો?: ખડગેનો ભાજપ પર પ્રહાર
કુતુબ મિનાર પણ હટાવી દો
ગિરિરાજ સિંહે કહ્યું કે, જો લાલ કિલ્લાની અંદર કોઈ પુરાવા હશે તો તે પણ કોર્ટમાં જશે. આ તો નેહરુના કારણે પરિણામ ભોગવી રહ્યા છીએ. આ કુતુબ મિનાર વગેરે પણ હટાવી દેવા જોઈએ. અહીં બાબર, અકબર અને હુમાયૂ જેવા નામ રાખવાની શું જરૂર છે? આ તમામને એક સાથે હટાવી દો.
મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો દેશનો માહોલ બગાડી રહ્યા છે. મસ્જિદની અંદર મંદિરની વાત કરે છે. થોડા દિવસોમાં આ લોકો લાલ કિલ્લાને પણ મુદ્દો બનાવશે. લાલ કિલ્લો પણ થોડા દિવસોમાં તોડી પાડવામાં આવશે.