શંભુ બોર્ડર પર તંગદિલી, હરિયાણા પોલીસનું અલ્ટીમેટમ, કેન્દ્રનો ફરી વાતચીતનો પ્રસ્તાવ
હરિયાણા સરહદથી ખેડૂતો માત્ર 50 મીટર દૂર રહી ગયા, પોલીસ દ્વારા સતત ટીયરગેસનો મારો ચલાવાયો
Farmer Protest News | હરિયાણા પોલીસે બુધવારે જેસીબી મશીનોના માલિકોને તેમના મશીનોને દેખાવસ્થળથી ખસેડી લેવા ચેતવણી આપતાં કહ્યું કે જો આવું નહીં કરો તો કાર્યવાહી માટે તૈયાર રહેજો. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ આજે ફરી દિલ્હી ચલો કૂચની શરૂઆત કરી દીધી છે. હરિયાણા સરહદથી ખેડૂતો માત્ર 50 મીટર દૂર રહી ગયા છે. પોલીસ દ્વારા ફરી ટીયરગેસનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પોલીસને જવાનોના ઘાયલ થવાનો ભય
હરિયાણા પોલીસને ડર છે કે આ મશીનો દ્વારા પંજાબ અને હરિયાણા બોર્ડર પોઈન્ટ પર તહેનાત જવાનોને નુકસાન થઈ શકે છે. પોલીસે ટ્વિટરની મદદથી એક પોસ્ટ કરતાં અપીલ કરી હતી કે "પોકલેન, JCB ના માલિકો અને ઓપરેટરોને વિનંતી છે કે કૃપા કરીને દેખાવકારોને તમારા સાધનો ઉપલબ્ધ ન કરાવો અને તેમને દેખાવસ્થળ પરથી હટાવી લો કારણ કે તેનો ઉપયોગ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે. આ બિનજામીનપાત્ર ગુનો છે અને તમારી સામે કાર્યવાહી થઇ શકે છે."
કેન્દ્ર સરકારે મૂક્યો પ્રસ્તાવ
હરિયાણા અને પંજાબને જોડતી શંભુ બોર્ડર પર આજે દિવસની શરૂઆતથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી હતી પણ હવે રાહતભર્યા અહેવાલ આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા શંભુ બોર્ડર પર આક્રમક વલણ અપનાવાયા બાદ સરકારે ફરી એકવાર વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેનાથી ફરી શાંતિભરી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂત નેતાઓ બેઠક કરી રહ્યા છે અને વિચારણાં ચાલી રહી છે કે સરકારના પ્રસ્તાવ પર શું પ્રતિક્રિયા આપવી.