અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવી ધરપકડકરો, નહીં તો આંદોલન કરીશું : ટિકૈત
લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ખેડૂતો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવા પ્રિયંકા ગાંધી, ચાર રાજ્યોના ખેડૂતો અને તેમના નેતાઓ લખીમપુર પહોંચ્યા
લખીમપુર
ખીરી, તા.
૧૨
લખીમપુર
ખીરીમાં ત્રણ ઓક્ટોબરના રોજ ભાજપના નેતાએ ખેડૂતો પર કાર ચડાવી દીધી હતી. જેમાં ચાર
ખેડૂતોના મોત નિપજ્યા હતા. માર્યા ગયેલા આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે લખીમપુર
ખીરીમાં ખેડૂતોએ એક અંતિમ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં આવેલા ખેડૂત
નેતા રાકેશ ટિકૈતે માગણી કરી હતી કે આ સમગ્ર ઘટના માટે જવાબદાર કેન્દ્રીય મંત્રી
અજય મિશ્રા અને તેના પુત્ર આશીશ મિશ્રાને તાત્કાલીક જેલભેગા કરવામાં આવે.
આ
પ્રાર્થના સભામાં ઉત્તર પ્રદેશ,
પંજાબ, હરિયાણા અને ચંડીગઢથી મોટી સંખ્યામાં
ખેડૂતો લખીમપુર ખીરી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ આ સભામાં
પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે બેસીને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને
પ્રાર્થના કરી હતી. દરમિયાન રાકેશ ટિકૈતે મંચ પરથી કહ્યું હતું કે મંત્રીના પુત્ર
આશીશ મિશ્રાની રેડ કાર્પેટ વડે ધરપકડ થઇ રહી છે અને ગુલદસ્તા સાથે તેની પૂછપરછ થઇ
રહી છે. જ્યાં સુધી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની આ કેસમાં ધરપકડ ન થાય અને
મંત્રી પદેથી હટાવવામાં ન આવે ત્યાં સુધી આંદોલન જારી રાખવામાં આવશે અને તેની
આગામી રુપરેખા લખનઉમાં આયોજિત ૨૬મી ઓક્ટોબરની મહાપંચાયતમાં તૈયાર કરવામાં આવશે.
રાકેશ
ટિકૈતે માગણી કરી હતી કે પિતા અજય મિશ્રા અને પુત્ર આશીશ મિશ્રા બન્નેની ધરપકડ
કરીને તેમને આગ્રાની જેલમાં મોકલવામાં આવે. આ ઘટનાના વિરોધમાં ખેડૂતો ૨૬મી
ઓક્ટોબરે લખનઉમાં એક મહાપંચાયત યોજવા જઇ રહ્યા છે જેમાં આ મામલે આંદોલન કરવાની
જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ આ કેસમાં આરોપી અને મંત્રી પુત્ર આશીશ મિશ્રાને
ક્રાઇમ બ્રાંચની ઓફિસ પર લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ કરાઇ હતી. ઉત્તર
પ્રદેશના લખીમપુર ખીરી સ્થિત ક્રાઇમ બ્રાંચમાં આ પૂછપરછ કરાઇ હતી. હાલ તેને ત્રણ
દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.