પશ્ચિમ બંગાળમાં ‘રેમલ’ ચક્રવાતનો ખતરો, પ્રતિ કલાક 130ની ગતિએ કોલકાતાના સમુદ્રમાં લેન્ડફોલ કરશે

વડાપ્રધાન મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ચક્રવાતનો સામનો કરવાની તૈયારીની સમીક્ષા કરી

Updated: May 27th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં ‘રેમલ’ ચક્રવાતનો ખતરો, પ્રતિ કલાક 130ની ગતિએ કોલકાતાના સમુદ્રમાં લેન્ડફોલ કરશે 1 - image


Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત રેમલ આજે (26મી મે) મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. આ દરમિયાન કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. રાજ્યપાલ  ડો. સી.વી. આનંદ બોઝે જણાવ્યું હતું કે, 'અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેમલ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી.'

દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમ તહેનાત

એનડીઆરએફના કમાન્ડર ગુરમિન્દર સિંહે જણાવ્યું હતું કે, 'ચક્રવાત રેમલ આજે મોડી રાત્રે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.' હવામાન વિભાગ અનુસાર, લેન્ડફોલ સમયે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તહેનાત કરવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે ભારે વરસાદ થઈ શકે છે. જો કે, આ સુપર ચક્રવાત એમ્ફાન જેટલું ગંભીર નહીં હોય.

બાંગ્લાદેશમાં રેમલ ચક્રવાતનો ખતરો મંડરાયો

બાંગ્લાદેશના આપદા વ્યવસ્થાપન અને રાહત મંત્રી મોહમ્મદ મોહિબુર રહેમાને જણાવ્યું કે, 'અધિકારીઓએ ચક્રવાત કેન્દ્રો પર ખતરાનો સામનો કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે દરિયાકાંઠાના જિલ્લામાં 4 હજાર આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે અને સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને પણ આશ્રયસ્થાનોમાં પરિવર્તિત કર્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત રેમલનો સામનો કરવા માટે ચક્રવાત તૈયારી કાર્યક્રમ (CPP) હેઠળ 78 હજાર સ્વયંસેવકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.'

અહીં અતિભારે વરસાદ પડી શકે છે

પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26મીથી 27મી મેના રોજ અતિભારે વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં 27મીથી 28મી મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે.  પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લા માટે 26મી અને 27મી મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રેમલ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ રવિવાર બપોરથી 21 કલાક માટે વિમાન સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: 'મેં પતરું તોડતા 15 લોકો બચ્યાં, પેટ્રોલના કેન પડ્યા હતા', રાજકોટ અગ્નિકાંડમાં પ્રત્યક્ષદર્શીનો ઘટસ્ફોટ


Google NewsGoogle News