Get The App

પ્રજાને રાહત : મોંઘવારી 4.85 ટકા સાથે 10 મહિનાના તળિયે

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
પ્રજાને રાહત : મોંઘવારી 4.85 ટકા સાથે 10 મહિનાના તળિયે 1 - image


- લોકસભા ચૂંટણી પહેલા અર્થતંત્રના મોરચે સારા સમાચાર

- રિટેલ મોંઘવારી દર ફેબુ્રઆરી ૨૦૨૪માં ૫.૦૯ ટકા, માર્ચ ૨૦૨૩માં ૫.૬૬ ટકા હતો ઃ શાકભાજી, દાળના ભાવ ઘટયા જ્યારે ગ્રામીણ મોંઘવારી વધીને ૫.૪૫ ટકા થઈ

- ઔદ્યોગિક ઉત્પાદન ૫.૭ ટકા થતા ૪ મહિનાની ટોચે પહોંચ્યું, આ ટકાવારી ફેબુ્રઆરી-૨૩માં ૬ ટકા હતી

નવી દિલ્હી: દેશમાં હાલ લોકસભા ચૂંટણીનું વાતાવરણ ગરમ છે ત્યારે મોંઘવારીના મોરચે સામાન્ય માણસને મોટી રાહત મળી છે તથા સરકાર માટે પણ ફીલ ગુડ ફેક્ટર અનુભવાઈ રહ્યું છે. માર્ચ ૨૦૨૪માં રિટેલ મોંઘવારીનો દર ઘટીને ૪.૮૫ના સ્તરે ૧૦ મહિનાના તળીયે પહોંચ્યો છે, જે ફેબુ્રઆરી ૨૦૨૪માં ૫.૦૯ ટકા હતો. આ પહેલાં મે ૨૦૨૩માં મોંઘવારીનો દર ૪.૩૧ ટકાના નીચા સ્તરે હતો. ખાવા-પીવાની વસ્તુઓ સસ્તી થવાના કારણે રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદનનો દર ફેબુ્રઆરીમાં વધીને ૫.૭ ટકા થતા ચાર મહિનાની ટોચે પહોંચ્યો છે.  

નેશનલ સ્ટેટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનો રિટેલ મોંઘવારી દર માર્ચમાં ઘટીને ૪.૮૫ ટકા થયો હતો, જે અગાઉના મહિનાની સરખાણીમાં ૦.૨૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. રિટેલ મોંઘવારી દર ફેબુ્રઆરી ૨૦૨૪માં ૫.૦૯ ટકા અને માર્ચ ૨૦૨૩માં ૫.૬૬ ટકા હતો. આ પહેલાં સીપીઆઈ આધારિત રિટેલ મોંઘવારીનો દર મે ૨૦૨૩માં ૪.૩૧ના સ્તરે હતો. આમ માર્ચ ૨૦૨૪માં ૪.૮૫નો મોંઘવારી દર ૧૦ મહિનાના તળીયે પહોંચ્યો છે.

એનએસઓએ જાહેર કરેલા આંકડા મુજબ માર્ચ ૨૦૨૪માં ફૂડ બાસ્કેટમાં મોંઘવારી દર ઘટીને ૮.૫૨ ટકા થયો હતો, જે ફેબુ્રઆરી ૨૦૨૪માં ૮.૬૬ ટકા હતો. ડેટા મુજબ ઈંડા, મસાલા અને કઠોળમાં મોંઘવારી દર માસિક ધોરણે ઘટયો હતો. જોકે, ફેબુ્રઆરીની સરખામણીમાં માર્ચમાં ફળો અને શાકભાજીના ભાવમાં ઊછાળો જોવા મળ્યો હતો. વધુમાં ગયા મહિને જૂતા-ચપ્પલોના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

તાજા આંકડા મુજબ માર્ચમાં શહેરી મોંઘવારી દર ૪.૭૮ ટકાથી ઘટીને ૪.૧૪ ટકા રહ્યો હતો. જોકે, આ સમયે ગ્રામીણ મોંઘવારીમાં વધારો જોવા મળ્યો હતો. ગ્રામીણ મોંઘવારી ફેબુ્રઆરી ૨૦૨૪માં ૫.૩૪ના સ્તરેથી વધીને માર્ચ ૨૦૨૪માં ૫.૪૫ ટકા થયો હતો. એજ રીતે માર્ચમાં શાકભાજીનો મોંઘવારી દર ૨૮.૩૪ ટકા થઈ ગયો છે, જે ફેબુ્રઆરી ૨૦૨૪માં ૩૦.૨૫ ટકા હતો. આ સિવાય દાળના ભાવ ૧૮.૯૦ ટકાથી ઘટીને ૧૭.૧ ટકા થયા હતા.

કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારિત મોંઘવારીને કાબુમાં કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલા પગલાંના સારા પરિણામ મળ્યા છે. હાલ રીટેલ મોંઘવારી આરબીઆઈના ૪થી ૬ ટકાના ટાર્ગેટ દાયરામાં છે. આરબીઆઈએ રિટેલ મોંઘવારી દર ૪ ટકાના સ્તરે રાખવાનો નિર્ધાર કર્યો છે.

મોંઘવારીનો દર ઘટવાની સાથે ઔદ્યોગિક ઉત્પાદન મોરચે પણ સરકારને સારા સમાચાર મળ્યા છે. ફેબુ્રારી ૨૦૨૪માં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ૫.૭ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યું છે. માઈનિંગ સેક્ટરના સારા પરફોર્મન્સના કારણે આ ઊછાળો જોવા મળ્યો છે તેમ શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા પરથી જણાયું હતું. ફેબુ્રઆરી ૨૦૨૩માં આઈઆઈપી ૬ ટકા નોંધાયો હતો. અગાઉ ઑક્ટોબર ૨૦૨૩માં આઈઆઈપી ૧૧.૯ ટકાના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪ના એપ્રિલ-ફેબુ્રઆરીના સમયમાં આઈઆઈપી વૃદ્ધિદર ૫.૯ ટકાના સ્તરે સ્પર્શ્યો હતો, જે એક વર્ષ અગાઉ ૫.૬ ટકા હતો.



Google NewsGoogle News