'ગુજરાતી ઠગ' વાળા નિવેદન પર તેજસ્વીને સુપ્રીમ કોર્ટથી રાહત, અમદાવાદ કોર્ટની સુનાવણી પર લગાવી રોક

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
'ગુજરાતી ઠગ' વાળા નિવેદન પર તેજસ્વીને સુપ્રીમ કોર્ટથી રાહત, અમદાવાદ કોર્ટની સુનાવણી પર લગાવી રોક 1 - image


Image Source: Twitter

- ગુજરાતના એક વેપારી અને સામાજિક કાર્યકર્તા હરેશ મહેતાએ તેમની સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

પટના, તા. 06 નવેમ્બર 2023, સોમવાર

'ગુજરાતી ઠગ' વાળા નિવેદનને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા આ કેસની અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ નીચલી અદાલતમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મળી ગઈ છે. 

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે તેજસ્વી યાદવની કથિત ટિપ્પણી 'માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે' અંગે માનહાનિ મામલે કોર્ટે 22 સપ્ટેમ્બરના રોજ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યુ હતું. તેમને 13 ઓક્ટોબરના રોજ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેજસ્વીના વકીલ વતી અમદાવાદ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે તેમને રાહત આપતા 4 નવેમ્બર સુધી હાજરીથી મુક્તિ આપી હતી.

શું છે સમગ્ર મામલો

માર્ચ 2023માં તેજસ્વી યાદવે ગુજરાતીઓ અંગે નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય છે. બેંકોના પૈસા લઈને ભાગી જનારા લોકોને માફ કરવામાં આવી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ ગુજરાતના એક વેપારી અને સામાજિક કાર્યકર્તા હરેશ મહેતાએ તેમની સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેજસ્વી યાદવની ટિપ્પણીથી તમામ ગુજરાતીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.


Google NewsGoogle News