મુખ્તાર અંસારીના દીકરાને 'સુપ્રીમ' રાહત, SCએ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે ધરપકડ પર લગાવી રોક
- જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ પીકે મિશ્રાની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી
નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2024, ગુરૂવાર
સુપ્રીમ કોર્ટે બાહુબલી મુખ્તાર અંસારીના દીકરા ઉમર અંસારીને ધરપકડથી રાહત આપી દીધી છે. ઉમર અંસારી પર વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના કથિત ઉલ્લંઘનના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ ઋષિકેશ રોય અને જસ્ટિસ પીકે મિશ્રાની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો
ઉમર અંસારી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘન મામલે મુખ્ય આરોપીને સતત જામીન મળી રહ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષે ડિસેમ્બરમાં ઉમર અંસારીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તથ્યો અને પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે ગુનો આચરવામાં આવ્યો છે. જોકે, હવે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખતા સુપ્રીમ કોર્ટે મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીની ધરપકડ પર રોક લગાવી દીધી છે.
શું છે મામલો?
4 માર્ચ 2022ના રોજ પોલીસે મુખ્તાર અંસારીના બે પુત્રો અબ્બાસ અંસારી અને ઉમર અંસારી સહિત 150 અજાણ્યા લોકો વિરુદ્ધ મઉ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધી હતી. આરોપ છે કે 3 માર્ચ 2022ના રોજ અબ્બાસ અંસારી, ઉમર અંસારી અને મંસૂર અહેમદ અંસારીએ પહાડપુરા ગ્રાઉન્ડ પર એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર સાથે હિસાબ બરાબર કરવાની વાત કરવામાં આવી હતી. તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.