કતારમાં કેદ 8 ભારતીયોને રાહત : ફાંસીની ઘાત ટળી
- કતારના શાસક શેખ સાથે પીએમ મોદીની મુલાકાત, ભારતનો કૂટનીતિક વિજય
- ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાય તેવી સંભાવના : કાયદાકીય ટીમ આઠ ભારતીયોના પરિવારના સભ્યોના સંપર્કમાં
નવી દિલ્હી : ભારતીય નેવીના ૮ પૂર્વ અધિકારીઓને કતારમાં હવે ફાંસી નહીં થાય. તેમની ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કતારની એપેલેટ કોર્ટે આઠ ભારતીયોના પરિવારોની અપીલની સુનાવણી દરમિયાન ફાંસીની સજા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કતારના આ નિર્ણયને ભારતના મોટા કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના શાસક શેખ તમીમ બિન હમદ અલ ધાની સાથે મુલાકાત કર્યા પછી કોર્ટનો આ નિર્ણય આવ્યો છે.
કતારની કોર્ટે એક અજ્ઞાાત કેસમાં ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી. આ આઠ ભારતીયોને ઈઝરાયેલની તરફેણમાં જાસૂસી કરવાના આરોપ હેઠળ સજા કરાઈ હોવાનું જણાવાયું હતું. ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાથી ભારતમાં ભારે હોબાળો મચી ગયો હતો. જોકે, ભારતે કતારની કોર્ટની સજા સામે વાંધો ઉઠાવ્યો હતો અને પૂર્વ નેવી અધિકારીઓને શક્ય તમામ મદદની જાહેરાત કરી હતી. આ સમયમાં આ મહિનાના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના શાસક શેખ તમીમ હમદ અલ ધાની સાથે મુલાકાત કરી હતી.
ભારતે જણાવ્યું હતું કે, અમે દહરા ગ્લોબલ કેસમાં કતારની અપીલ કોર્ટના આજના ચૂકાદો સાંભળ્યો છે. આ ચૂકાદા મુજબ ભારતીયોની સજા ઘટાડવામાં આવી છે. જોકે, અમે હજુ સુધી આ અંગે વિસ્તૃત અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. અમે દરેક પગલાં પર કાયદાકીય ટીમની સાથે પરિવારના સભ્યોના સંપર્કમાં છે. કતારની અપીલ કોર્ટે આઠ ભારતીયો કેપ્ટન નવતેજ ગિલ અને સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પુર્ણેન્દુ તિવારી, અમિત નાગપાલ, એસ કે ગુપ્તા, બીકે વર્મા અને સુગુનાકર પકાલા, નાવિક રાગેશને સજામાં ઘટાડો કર્યો છે. પરંતુ આ અંગે કોઈ માહિતી મળી નથી.
કતારમાં ભારતના રાજદૂત અને અન્ય અધિકારીએ કહ્યું કે અમે શરૂઆતથી જ તેમની સાથે છીએ અને અમે બધી જ કોન્સ્યુલર અને કાયદાકીય મદદ પૂરી પાડવાનું ચાલુ રાખીશું. આ કેસની કાર્યવાહી ગુપ્ત અને સંવેદનશીલ પ્રકૃતિ હોવાના કારણે હાલ તેના અંગે ટીપ્પણી કરવી યોગ્ય નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે આઠ ભારતીયોને કતારની કોર્ટમાં ફાંસીની સજા સંભળાવાઈ હતી, તે બધા ત્યાંની અલ-ઝાહિરા અલ-આલમી કન્સલટન્સી એન્ડ સર્વિસીસ નામની કંપનીમાં કામ કરતા હતા. આ બધા જ ભારતીય નૌકાદળના અધિકારી રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ભારતીયોને ફાંસીની જગ્યાએ આજીવન કેદની સજા સંભળાવવામાં આવશે.
ભારતની કતાર સાથે કેદીઓના આદાન-પ્રદાનની સંધી
કતારમાં કેદ 8 ભારતીયોને વતન લવાય તેવી સંભાવના
કતારની જેલમાં કેદ ભારતીય નેવીના પૂર્વ આઠ અધિકારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કાતરની એપેલેટ કોર્ટે તેમની ફાંસીની સજા ઘટાડીને આજીવન કેદ કરી હોવાના અહેવાલો છે. જોકે, હવે આ અધિકારીઓનું શું થશે તે અંગેના સવાલોએ જોર પકડયું છે.
સૂત્રોનું કહેવું છે કે ભારત હવે ૮ પૂર્વ નેવી અધિકારીઓને વતન પાછા મોકલવાની માગ કરી શકે છે. આ માટે ભારત અને કતાર વચ્ચે વર્ષ ૨૦૧૪માં થયેલી કેદીઓની અદલા-બદલી સંધીનો હવાલો આપવામાં આવે તેવી શક્યતા છે. આ સંધી હેઠળ કતારની જેલમાં કેદ ભારતીય કેદીઓને ભારતમાં જ્યારે ભારતની જેલમાં કેદ કતારના કેદીઓને તેમના વતન મોકલવાની જોગવાઈ છે. જોકે, વર્ષ ૨૦૦૪ પહેલાં બંને દેશો વચ્ચે આવી કોઈ સંધી નહોતી, જેનાથી વિદેશી કેદીઓને તેમની સજાનો બાકીનો સમય પોતાના વતનમાં મોકલવામાં આવે. જોકે, કતારે હજુ સુધી પૂર્વ ભારતીય અધિકારીઓ વિરુદ્ધ લગાવાયેલા આરોપોની માહિતી આપી નથી.
ભારત અને કતારે ડિસેમ્બર ૨૦૧૪માં આ સંધી કરી હતી. ભારતે અત્યાર સુધીમાં બ્રિટન, મોરેશિયસ, બલ્ગેરિયા, બ્રાઝીલ, કમ્બોડિયા, ઈજિપ્ત, ફ્રાન્સ, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, સાઉદી અરબ, ઈરાન, કુવૈત, શ્રીલંકા, યુએઈ, માલદીવ, થાઈલેન્ડ, તુર્કી, ઈટાલી, બોસ્નિયા, હર્ઝેગોવિના, ઈઝરાયેલ, રશિયા, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયા સાથે આ પ્રકારની સંધી કરી છે. સાથે જ કેનેડા, હોંગકોંગ, નાઈજિરિયા અને સ્પેન સાથે આ પ્રકારની સંધી અંગે વાટાઘાટો પૂરી કરી છે.