ગ્રેસિંગ ગુણ આપવા બદલ વિદ્યાર્થીઓની ફરીથી નીટ પરીક્ષા લેવાની માગ ફગાવાઇ
- કોઇ અનિયમિતતા આચરવામાં આવી નથી : એનટીએ
- જેટલા પણ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ ગુણ મળ્યા છે તે નિયમ મુજબ જ આપવામાં આવ્યા હોવાનો એનટીએનો દાવો
- એક પાંચ ગુણના પ્રશ્રનો જવાબ નવા અને જુના પુસ્તક પ્રમાણે અલગ અલગ હોવાથી બંને વિકલ્પ પસંદ કરનારાઓને પાંચ ગુણ અપાયા
- હાઇકોર્ટના ચુકાદા પછી સમય બગડવા બદલ ૧૫૬૩ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક અપાયા : એનટીએની સ્પષ્ટતા
નવી દિલ્હી : મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ આપનારા કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે કે ચાલુ વર્ષની આ પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓના માર્ક વધારવામાં આવ્યા છે અને તેના કારણે જ ૬૭ વિદ્યાર્થીઓએ ૭૨૦માંથી ૭૨૦ ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે ૬૭ પૈકી ૬ વિદ્યાર્થીઓ તો એક પરીક્ષા કેન્દ્રના છે.
જો કે આ આરોપ પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કોઇ પણ પ્રકારની અનિયમિતતા થઇ હોવાનો ઇનકાર કર્યો છે. તણે જણાવ્યું છે કે વધારે ગુણ માટે એનસીઇઆરટીના પુસ્તકોમાં કરવામાં આવેલા ફેરફાર અને પરીક્ષા કેન્દ્રોમાં સમય બગડવાથી આપવામાં આવેલા વધારાના ગુણ જવાબદાર છે.
એનટીએ દ્વારા બુધવાર સાંજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં ૬૭ વિદ્યાર્થીઓએ પ્રથમ રેન્ક મેળવ્યો છે. જે પૈકી ૬ વિદ્યાર્થીઓએ હરિયાણાના એક જ પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની નીટની પરીક્ષામાં એક પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો. જેના ચાર વિકલ્પ હતાં. જ્યારે આન્સર કી સામે આવી તો વિદ્યાર્થીઓએ જૂના પાઠયપુસ્તકમાં સાચો જવાબ હોવાનું જણાવી આન્સર કીમાં દર્શાવેલા જવાબ સામે વાંધો ઉઠાવ્યો હતો.
ત્યારબાદ એનટીએએ નવા અને જૂના પુસ્તકોની તપાસ કરી તો જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓનાં બંને વિકલ્પ સાચા છે. જેના કારણે જે વિદ્યાર્થીઓએ જૂના પાઠયપુસ્તક મુજબ જવાબ આપ્યો હતો અને જેમણે નવા પાઠયપુસ્તક મુજબ જવાબ આપ્યો હતો બંનેને પાંચ ગુણ આપવામાં આવ્યા હતાં. જેના કારણે ૪૪ વિદ્યાર્થીઓના ગુણ ૭૧૫થી વધીને ૭૨૦ થઇ ગયા હતાં.
બીજી તરફ કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ સમય બગડવાની ફરિયાદ કરી હતી. આ વિદ્યાર્થીઓએ દિલ્હી, છત્તીસગઢ અને પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી.
હાઇકોર્ટના ચુકાદા પછી ૧૫૬૩ ઉમેદવારોને સમય બગડવા બદલ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતાં. કેટલાક વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી છે. જો કે એનટીએએ આ માંગ ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે કોઇ પણ પ્રકારની અનિયમિતતા થઇ નથી.