PM Internship Scheme 2024: પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે રજિસ્ટ્રેશન શરુ, ઉમેદવારો આવી રીતે કરો અરજી
Image: Freepik
PM Internship Scheme 2024: પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના 2024 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની શરુઆત આજે સાંજે પાંચ વાગ્યાથી થઈ ગઈ છે. આ યોજનાનો હેતુ યુવાનોને ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક આપવાનો છે. જે પણ ઉમેદવાર આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ કરવા ઇચ્છે છે તે અરજી કરવા માટે સત્તાવાર સાઇટ પર જાય.
અરજી કરવા માટે વયમર્યાદા
આ યોજનામાં અરજી કરનાર ઉમેદવારની વય 21થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે જ ઉમેદવાર ફુલ ટાઇમ એમ્પ્લોયમેન્ટમાં હોવો જોઈએ નહીં. સાથે જ સંપૂર્ણ સમયના શિક્ષણમાં પણ સામેલ હોવો જોઈએ નહીં. જોકે, ઓનલાઇન કે ડિસ્ટન્સ લર્નિંગથી અભ્યાસ કરી રહેલા ઉમેદવાર અરજી કરી શકે છે.
કોણ કરી શકે છે અરજી
પીએમ ઇન્ટર્નશિપ યોજના 2024 માટે હાઇસ્કૂલ અને હાયર સેકન્ડરી પાસ સ્ટુડન્ટ્સ અરજી કરી શકે છે. આ સિવાય આઇટીઆઇ પાસ, પોલિટેક્નિક ડિપ્લોમા ધારક અને ગ્રેજ્યુએટ ઉમેદવાર જેમ કે બીએ, બીએસસી, બીકોમ, બીસીએ, બીબીએ અને બીફાર્મ પાસ ઉમેદવાર પણ આ માટે પાત્ર છે. જો કે, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઇઆઇટી, એનઆઇટી, આઇઆઇએમ, નેશનલ લૉ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ, એમબીએ, સીએસ, સીએ, એમબીબીએસ અને બીડીએસ ડિગ્રી ધારક ઉમેદવાર આ યોજના માટે અરજી કરી શકતા નથી.
ઇન્ટર્નશિપનો સમયગાળો અને લાભ
આ યોજના હેઠળ ઇન્ટર્નશિપનો સમયગાળો 12 મહિનાનો હશે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે ટોપ 500 કંપનીઓમાં 1.25 લાખ ઇન્ટર્નશિપની તક આપવાનું લક્ષ્ય રાખ્યું છે. પાંચ વર્ષમાં આ યોજના હેઠળ એક કરોડ ઉમેદવારોને ઇન્ટર્નશિપની તક મળશે. ઇન્ટર્નશિપ દરમિયાન ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, જેનાથી તેમને નાણાકીય મદદ મળશે.
અરજી કેવી રીતે કરવી?
પીએમ ઇન્ટર્નશિપ યોજનાની સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જાવ.
પછી 'રજિસ્ટર' લિંક પર ક્લિક કરો, જેનાથી એક નવું પેજ ખુલશે.
અહીં તમામ જરૂરી રજિસ્ટ્રેશન ડિટેલ ભરો અને પછી 'સબમિટ' પર ક્લિક કરો.
તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધારે પોર્ટલ તમારો બાયોડેટા તૈયાર કરશે.
હવે લોકેશન, સેક્ટર, ફંક્શનલ રોલ અને યોગ્યતાના આધારે મહત્તમ પાંચ ઇન્ટર્નશિપ તક માટે અરજી કરવી પડશે.
અંતમાં સબમિટ પર ક્લિક કરો અને કન્ફર્મેશન પેજને ડાઉનલોડ કરો. તેની એક પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે પોતાની પાસે જરૂર રાખો.