ઇન્સ્ટાગ્રામ પર અતીક, અશરફ અને અસદને 'હિરો' દેખાડતી રીલ્સ વાયરલ થઈ રહી છે
- હવે હદ થઈ ગઈ છે દેશદ્રોહની
- અતીક, અશરફ અને અસદના ફોટો સાથે, ભાવવાહી ગીતો રજૂ કરી તે સર્વેને 'હિરો' દર્શાવવામાં આવ્યા
નવી દિલ્હી : સોશ્યલ મીડીયા પર અતીક અહમદ અને તેમનાં કુટુંબના નામે મુસ્લિમ યુવાનોને ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર અતીક અહમદ તેના ભાઈ અશરફ અને અતીકના પુત્ર અસદના ફોટોગ્રાફસ સાથે કેટલીયે રીલ્સ સર્ક્યુલેટ થઈ રહી છે. હવે ઉત્તર પ્રદેશની એસટીએફ અને સાઇબર સેલની નજર તેવા એકાઉન્ટસ પર છે.
આ જાણ્યા પછી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે (એસટીએફે) ઇન્સ્ટાગ્રામ અને ફેસ બુકને તુર્ત જ નોટીસ આપી તેની ડીટેઈલ્સ માગી છે. જેથી ખબર પડે આવા એકાઉન્ટસ દ્વારા લોકોને ભડકાવવા પાછળ કોણ છે, તેમનો હેતુ શો છે ?
આટલું જ નહીં પરંતુ તેમ પણ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનમાંથી પણ આ પ્રકારના સોશ્યલ મીડીયા એકાઉન્ટસ ચલાવવામાં આવી રહ્યા છે. તેમાં અતીક, અશરફ અને અસદના ફોટો સાથે ભાવવાહક ગીતો વહેતાં મૂકી તેઓને શહીદ દેખાડવામાં આવે છે અને આ રીતે યુવાનોને ભડકાવવામાં આવે છે. તપાસ સંસ્થાઓ આવા એકાઉન્ટસ ઉપર બાજ નજર રાખી રહી છે.
આ અંગે કેટલાક વિશ્લેષકો આક્રોશ ઠાલવતાં કહે છે : હવે હદ થઈ ગઈ છે, દેશદ્રોહ.
તે સર્વવિદિત છે કે ગેંગ સ્ટરમાંથી નેતા બનેલા માફિયા ડોન અને સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ, અતીક અહમદ (૬૦) અને તેના ભાઈ અશરફની ૧૫મી એપ્રિલે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વાસ્તવમાં તે સમયે પોલીસ તે બંનેને પ્રયાગરાજની મેડિકલ કોલેજમાં, મેડિકલ એકઝામ માટે લઈ જઈ રહી હતી. તે સમયે મીડીયા કર્મચારી તરીકે ત્યાં પહોંચી ગયેલા હત્યારાઓએ તે બંનેની ગોળી મારી હત્યા કરી હતી. તે પછી તુર્ત જ પોલીસે તે ત્રણેની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશ સરકારે તે બાબતે ન્યાયિક તપાસ યોજવા ૩ સભ્યોનું તપાસ પંચ નીમ્યું છે.