બિહારમાં એક લાખથી વધુ શિક્ષકોની ભરતીમાં છબરડા, ફરી વેરિફિકેશન થશે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
બિહારમાં એક લાખથી વધુ શિક્ષકોની ભરતીમાં છબરડા, ફરી વેરિફિકેશન થશે 1 - image


- પરીક્ષાર્થીના સ્થાને અન્યને નોકરી મળી હોવાની ફરિયાદો મળી

- શાળામાં બંક મારતા 13 હજારથી વધુ શિક્ષકોનો પગાર કપાયો, 39ને સસ્પેન્ડ કરાયા, 13ની હકાલપટ્ટી 

પટના : બિહારમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે. જેને પગલે ભરતી કરાયેલા એક લાખથી વધુ શિક્ષકોનું ફરી વેરિફિકેશન કરવામાં આવશે. ૧૫મી જાન્યુઆરીથી આ તમામ નવા ભરતી કરાયેલા શિક્ષકોની વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વર્ષે નવેમ્બર મહિનામાં જ બિહાર સરકારે નવા ૧.૨૦ લાખ શિક્ષકોની નિમણૂંક કરી હતી. પરીક્ષા આપનારા અને જેમની નિમણૂંક કરાઇ તે બન્ને ઉમેદવાર અલગ અલગ હોવાની ફરિયાદ મળી હતી.

એટલે કે જે ઉમેદવારોએ શિક્ષણ માટે લેવાતી ટીચર રિક્રૂટમેન્ટ એક્સામિશન એટલે કે ટીઆરઇની પરીક્ષા પાસ કરી હતી તેઓના સ્થાને કોઇ અન્ય જ ઉમેદવારોની નિમણૂંક કરી દેવામાં આવી હોવાની ફરિયાદો રાજ્યના શિક્ષણ વિભાગને મળી હતી. આવુ કેમ થયંુ અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે બિહાર સરકાર કે શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી. એવામાં અચાનક જ શિક્ષણ વિભાગે આ નવા ભરતી કરાયેલા તમામ શિક્ષકોનું ફરી વેરિફિકેશન કરવાના આદેશ જારી કરી દીધા છે. જેને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

બિહારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ દ્વારા આ મુદ્દે લખાયેલો પત્ર સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દરેક ડીએમને સલાહ આપવામાં આવે છે કે જે પણ શિક્ષકોની તાજેતરમાં ભરતી કરવામાં આવી તેમને અલગ અલગ ગુ્રપ બનાવીને ફરી વેરિફિકેશન માટે બોલાવવામાં આવે. આ દરમિયાન શિક્ષકોના અંગુઠાના નિશાનને પરીક્ષા સમયે લેવાયેલા નિશાન સાથે મેળવવામાં આવશે. જેનાથી ખરેખર સાચા ઉમેદવારો જ નિમાયા છે કે કોઇ અન્યને નોકરી મળી ગઇ છે તેની ખરાઇ કરી શકાશે. સાથે જ તમામ ઉમેદવારોના આધારકાર્ડના અગાઉના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ બિહાર સરકારે ગેરહાજર રહેલા ૧૨૯૮૭ શિક્ષકોનો પગાર કાપી લીધો છે જ્યારે આવા ૩૯ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ ૧૩ શિક્ષકોની હકાલપટ્ટી કરવામાં આવી છે. 


Google NewsGoogle News