UDGAM પોર્ટલ : RBIએ બેંકોમાં પડેલી દાવા વગરની થાપણો શોધવા માટે પોર્ટલ લોન્ચ કર્યું
Image - Reserve Bank of India, Facebook |
નવી દિલ્હી, તા.17 ઓગસ્ટ-2023, ગુરુવાર
ઘણી વખત એવું બનતું હોય છે કે, બેંકોમાં લાવારિસ રકમ ઘણા સમયથી પડેલી હોય છે અને તેના પર દાવો કરવાવાળું કોઈ હતું નથી, ત્યારે આ બાબતને ધ્યાને રાખી ભારતીય રિઝર્વ બેંકે મહત્વનું પહેલ હાથ ધરી છે. આ પહેલ હેઠળ RBIએ ઉદગમ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. UDGAMનું આખું નામ ‘અનક્લેમેડ ડિપોઝિટ્સ ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન’ છે. આનો અર્થ એ છે કે, જે બેંકોમાં જમા રકમ લાવારિસ પડેલી છે અને તે રકમ પર કોઈએ દાવો કર્યો નથી, તે રકમના હક્કદાર ક્લેઈમ કરીને આ રકમ પરત મેળવી શકે છે. RBIએ કુલ 7 બેંકોના નામો આપ્યા છે, જેમાં અનક્લેમ્ડ ડિપોઝિટ પર ગ્રાહક દાવો કરી શકે છે. 15 ઓક્ટોબર સુધી આ 7 બેંકો ઉપરાંત અન્ય બેંકોને પણ જોડવામાં આવી શકે છે.
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, RBI અનક્લેમ્ડ ડિપોઝિટની વધતી પ્રવૃત્તિ અંગે લોકોને જાગૃત કરવા જનજાગૃતિ અભિયાન ચલાવતું રહે છે. બેંકે કહ્યું કે, લાવારિસ જમા રકમ પર દાવો કરવા, તેમની સંબંધીત બેંકોની ઓળખ કરવા અને તે બેંકોનો સંપર્ક કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
ગ્રાહકોને અનક્લેમ્ડ ડિપોઝિટને ઓળખવામાં મદદ મળશે
આરબીઆઈએ કહ્યું કે, ગ્રાહકો તેમના દાવા વગરના જમા-એકાઉન્ટની ઓળખ કરી શકે અને જમા રકમ પર દાવો કરી શકે અથવા તેમના ડિપોઝિટ એકાઉન્ટને સંબંધિત બેંકોમાં શરૂ કરાવી શકે, તે માટે આ વેબ પોર્ટલ ખુબ ઉપયોગી નિવડશે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ આ પ્લેટફોર્મ સહભાગી સંસ્થાઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (REBIT) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાઈનાન્સિયલ ટેકનોલોજી એન્ડ એલાઈડ સર્વિસીસ (IFTAS) સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યું હતું.
UDGAMમાં આ 7 બેંકોની કરાઈ સામેલ
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- પંજાબ નેશનલ બેંક
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
- ધનલક્ષ્મી બેંક લિમિટેડ
- સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડ
- ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ
- સિટી બેંક એન.એ
UDGAM પોર્ટલનો હેતુ
- વેબ પોર્ટલ લોન્ચ કરવાની સાથે જ ગ્રાહકો તેમની બિનઉપયોગી થાપણો અને ખાતાઓને સરળતાથી શોધી શકશે
- આનો ઉપયોગ કરીને તેઓ કાં તો તેમની વ્યક્તિગત બેંકોમાં તેમના થાપણ ખાતા સક્રિય કરી શકે છે અથવા નહિ વપરાયેલ થાપણની રકમ મેળવી શકે છે.
- હાલમાં ગ્રાહકો પોર્ટલ પર સૂચિબદ્ધ સાત બેંકો સાથે તેમની દાવા વગરની થાપણો વિશેની માહિતી જોઈ શકશે.
- જોકે પોર્ટલ પર બાકીની બેંકો માટે શોધ સુવિધા 15 ઓક્ટોબર 2023 સુધીમાં શરૂ કરવામાં આવશે.